વેરાવળની યુવતીએ રાજ્ય કક્ષાની સિનિયર સ્ટેટ ફેન્સીંગ સ્પર્ધામા ગોલ્ડ મેડલ મેળવ્યો

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

           તા.૧૯, એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના ઉપક્રમે ગાંધીનગર જિલ્લા ફેન્સીંગ એસોસીએશન દ્વારા તાજેતરમાં માતૃશ્રી જોઈતીબા કોલેજ કેમ્પસ, સેક્ટર-૭, ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની સિનિયર સ્ટેટ ફેન્સીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની દિવ્યા ઓઘડભાઈ ઝાલાએ ફોઈલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડળ મેળવી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.

        દિવ્યા ઝાલાએ ફેન્સીંગ રમતની શરૂઆત જે.એમ. ચૌધરી હાઈસ્કુલ, ગાંધીનગર ખાતેથી ફેન્સીંગ કોચશ્રી ભરતજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ કરી હતી. ત્યાર બાદ જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કુલમાં પસંદગી થયેલ અને હાલ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલીત નડીયાદ ખાતે સ્ટેટ ફેન્સીંગ એકેડમીમાં કોચ રોશન થાપા પાસે ફેન્સીંગ રમતની તાલીમ મેળવી રહે છે. દિવ્યાએ વર્ષ ૨૦૧૯-૨૦માં ચંદીગઢ ખાતે યોજાયેલ ઓલ ઈન્ડીયા ઈન્ટર યુનિવર્સીટીમાં સિલ્વર મેડલ મેળવેલ અને ઓડીસામાં ભુવનેશ્વર ખાતે યોજાયેલ ખેલો ઈન્ડીયા ઈન્ટર યુનિવર્સીટી સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવેલ હતો. તા. ૧૯ થી ૨૧ માર્ચ દરમ્યાન રુદ્રપુર, ઉત્તરાખંડ ખાતે યોજાનાર સિનિયર નેશનલ ફેન્સીંગ સ્પર્ધા માટેની ગુજરાતની ટીમમાં પસંદગી થયેલ છે. ગીર સોમનાથ જિલ્લાના સિનિયર કોચ કાનજી ભાલીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણા, જિલ્લા રમત ગમત અધિકારી વિશાલ જોષી, પ્રાંત યુવા વિકાસ અધિકારી અશ્વિન સોલંકી તથા સોમનાથ જિલ્લા વ્યાયામ શિક્ષકસંઘ ના પ્રમુખ વરજાંગભાઈ વાળાએ દિવ્યાને અભિનંદન પાઠવી આગામી નેશનલ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરવા માટે શુભકામનાઓ પાઠવી છે.

Related posts

Leave a Comment