હિન્દ ન્યૂઝ, પાવીજેતપુર
તા.14 પાવીજેતપુર તીનબત્તી ખાતે ધનતેરસની સંધ્યાએ ઘડિયાળના ટાવર સાથેનું સર્કલ તેમજ હાઇમાસ્ક લાઇટિંગ ટાવરનું સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાવીજેતપુર ની કાયાપલટ કરવા હંમેશાં તત્પર રહેતા એવા યુવાન અને ઉત્સાહી સરપંચ મોન્ટુ શાહ દ્વારા માદરેવતન યોજના અંતર્ગત અમેરિકાના ફ્લોરિડામાં રહેતા એવા જેતપુર રત્ન અને દાનવીર સુનિલકુમાર નગીનલાલ શાહની લોકભાગીદારીથી પાવીજેતપુર ગામના હાર્દ સમા વિસ્તાર તીનબત્તી ખાતે “સ્વ. નગીનલાલ પુંજાલાલ શાહ સર્કલ” અતિઆધુનિક ચારેબાજુથી ઘડિયાળ જોઈ શકાય તેવા ઊંચા ટાવર સાથેનું સર્કલ બનાવવામાં આવ્યું છે. તેમજ ગ્રામ પંચાયત રેતી કંકણની ગ્રાન્ટ માંથી હાઈમાસ્ક લાઇટિંગ ટાવર બનાવવામાં આવ્યું છે જે રાત્રિના સમયે દીવસ જેવું અજવાળું કરી દે છે.
અતિઆધુનિક સર્કલ તેમજ હાઈમાસ્ક લાઇટિંગ ટાવરનું લોકર્પણ છોટાઉદેપુર ના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમયે પૂર્વ સાંસદ રામસિંગભાઈ રાઠવાએ પાવીજેતપુરના યુવા સરપંચ મોન્ટુ શાહના ભારોભાર વખાણ કરતા જણાવ્યું હતું કે પાવીજેતપુર નગરને સરપંચ તરીકે એક રત્ન મળ્યું છે. જેનો આપણે બધાએ બહુડા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ અને નગરની દરેકે દરેક સમસ્યાનું નિરાકરણ આવે તે તરફ આગળ વધવું જોઈએ. એક સમય એવો હતો કે આ તીનબત્તી ઉપર પેટ્રોમેક્સ સળગાવી લાઇટિંગ કરવામાં આવતી હતી. જ્યારે વર્તમાન સરપંચની સજાગતાથી અને સક્રિયતાના કારણે હાઇમાસ્ક લાઇટિંગ ટાવરથી રાત્રે પણ દિવસ જેવું અજવાળું થઈ ગયું છે. પાવીજેતપુરના યુવાન સરપંચ મોન્ટુ શાહની જિલ્લાકક્ષાએ, રાજ્યકક્ષાએ અને ઠેઠ રાષ્ટ્રીય કક્ષાએ નરેન્દ્ર મોદીએ પણ નોંધ લીધી છે ત્યારે તાલુકાના અન્ય સરપંચોએ પણ તેમનાથી શીખ લેવી જોઈએ અને સમગ્ર તાલુકામાં વિકાસ કરવો જોઈએ.
પાવીજેતપુરના યુવાન સરપંચ એ પોતાના ૧૪ વર્ષના કાર્યકાળ દરમિયાન શું કામગીરી કરી છે ? તેની ઝાંખી કરાવી હતી. ત્યારબાદ નગરમાં ૩૩ એકર જેવું તળાવ બાકી રહ્યું હોય તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે મદદરૂપ થવા સાંસદ ગીતાબેનરાઠવા ને નગરના ૧૪ હજાર લોકો વતી અપીલ કરી હતી. જેને સ્વીકારી ગીતાબેન રાઠવા પ્રવાસન તળાવ માટે મદદરૂપ થવા માટેની ખાતરી આપી હતી.
આમ, પાવીજેતપુર તીનબત્તી ખાતે ધનતેરસની સંધ્યાએ ઘડિયાળના ટાવર સાથેનું સર્કલ તેમજ હાઇમાસ્ક લાઇટિંગ ટાવરનું સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રિપિર્ટર : નઈમ હુઈ, છોટા ઉદેપુર