હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર
રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો-૨૦૧૩ અન્વયે અગ્રતા ધરાવતા કુંટુંબોની ઓળખ કરવા માટેના ધોરણોમાં ફેરફાર કરી છોટાઉદેપુર જિલ્લામાં બાકી રહી ગયેલા દિવ્યાંગ, વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓ, ગંગા સ્વરૂપા (વિધવા) બહેનો અને બાંધકામ શ્રમયોગીઓને અગ્રતા ધરાવતા કુંટુંબ તરીકે સમાવેશ કરવામાં આવશે. પુરવઠા અધિકારી મિતેશભાઇ વસાવા તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર નિયામક, સમાજ સુરક્ષા હેઠળ નોંધાયેલા દિવ્યાંગ લાભાર્થીઓ તથા સમાજ સુરક્ષા ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ ખાતે રહેતા દિવ્યાંગ વ્યક્તિઓ, સમાજ સુરક્ષા ખાતા હેઠળ નોંધાયેલા વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓ તથા સમાજ સુરક્ષા ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ ખાતે રહેતા વૃદ્ધ વ્યક્તિઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ નોંધાયેલ ગંગા સ્વરૂપ (વિધવા) બહેનો પેન્શન મેળવે છે તેવી બહેનો તથા સરકાર માન્ય સંસ્થાઓ ખાતે રહેતા ગંગા સ્વરૂપ (વિધવા) બહેનોને અગ્રતા ધરાવતા કુંટુબોમાં સમાવેશ કરવામાં આવશે. ઉપર્યુકત ક્રમ ૧ થી ૩ના કિસ્સામાં આ કાયદા અંતર્ગત વ્યક્તિગત એનએફએસએ કાર્ડ આપવાના રહે છે. દિવ્યાંગ લાભાર્થીઓ વતી અનાજ નિયમાનુસાર મેળવવા માટે સરકાર માન્ય સંસ્થાના સંચાલકને લાભાર્થીઓ વતી ગાર્ડીયન/વાલી તરીકે નીમી શકશે. આ ઉપરાંત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલા બાંધકામ શ્રમયોગીઓ લાભાર્થીઓ પૈકી જે લાભાર્થી રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ અગ્રતા ધરાવતા કુંટુંબોની યાદીમાં સમાવેશ ન થયેલ હોય તો તેવા વ્યક્તિઓએ જે તે તાલુકાના મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે એમ, જિલ્લા પુરવઠા અધિકારી તરફથી જણાવાયું છે.
રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર