છોટાઉદેપુર જિલ્લામાં યોજાનારી ૧૨ની પુરક પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો પર અનધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ

છોટાઉદેપુર,

આગામી તા. ૨૮/૦૯/૨૦૨૦ થી તા. ૦૬/૧૦/૨૦૨૦ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધો. ૧૨ની (સામાન્ય પ્રવાહ) પુરક પરીક્ષા યોજવામાં આવનાર છે. જેને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એસ.વસાવાએ જાહેરનામું બહાર પાડી પરીક્ષા કેન્દ્રો પર અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉપરોકત તારીખો દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં યોજાનારી ૧૨ની પુરક પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ઉપર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ યોજાય તથા પરીક્ષાઓ મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાનું સંચાલન સરળતાથી થાય અને પરીક્ષામાં ગેરરીતી ન થાય એ માટે જાહેરનામું બહાર પાડી છોટાઉદેપુર જિલ્લામાં ધો. ૧૨ની પુરક પરીક્ષા યોજાવાની છે તેવા તમામ ૧૧ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા ખંડની અંદર તથા ચારે બાજુ ૧૦૦ મીટર વિસ્તારમાં કોઇ જાહેર કે ખાનગી સ્થળે કોઇ પણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેશ ફોન, મોબાઇલ ફોન વિગેરે લઇ જવા ઉપર તથા ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા અને પરીક્ષાર્થીઓને ખલેલ પડે તે રીતે કોઇ અનધિકૃત વ્યક્તિઓને એકત્રિત થવા કે પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરવા કે વાહન લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમ કાયદો અને વ્યવસ્થાના ઇન્ચાર્જ અધિકારીઓ અને પરીક્ષા કેન્દ્ર નજીક મુકેલ સલામતિ કર્મચારીઓ તેમની વિધિસરની ફરજ બજાવવા દરમિયાન સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેશ ફોન, મોબાઇલ ફોન તથા વાયરલેશનો ઉપયોગ કરી શકશે. કેન્દ્રના સંવાહકો, સંચાલકો, સ્થળ સંચાલકો, ઝોન પ્રતિનિધિ, ખંડ નિરિક્ષકો, વોટરમેન, બેલમેન તથા ઓળખપત્ર આપવામાં આવેલ હોય તેવા નિરીક્ષણ ટુકડીઓ સહિતના તમામ અધિકારીઓને લાગુ પડશે નહિં. આ જાહેરનામું તા. ૨૮/૦૯/૨૦૨૦ થી તા. ૦૬/૧૦/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment