હિન્દ ન્યૂઝ, રાજકોટ
તા.૧૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના મવડી મેઈન રોડ પર બાપા સિતારામ ચોક નજીક હરીઓમ એક્યુપ્રેશર એન્ડ નેચરોથેરાપી સેન્ટરના ઓઠા નીચે ધમધમતું ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ અને ગર્ભપાત કરાવી આપવાની વ્યવસ્થાનું મસમોટું કારસ્તાન S.O.G ઝડપી લઈ ૩ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં અમિત પ્રવીણ થીયાદ (ઉ.૩૯) રહે. ગોકુલધામ પાસે, ગીતાંજલિ સોસાયટી, શેરીનં.૩, દિનેશ મોહન વણોલ (ઉ.૩૬) રહે. કૃષ્ણનગર મેઈન રોડ, ગુરુપ્રસાદ ચોક, અલંકાર એપાર્ટમેન્ટ, ફ્લેટનં.૧૦૨ અને અવેશ રફીક મન્સુરી (ઉ.૩૨) રહે. અંધારિયાવાળ લધાસાબાવાની દરગાહ પાસે, મેઈન બજાર રોડ, ધોરાજીનો સમાવેશ થાય છે.
છેલ્લા ૮ માસથી આ ટોળકી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરી દર્દી પાસેથી મસમોટી રકમ વસુલતી હોવાનું જણાવ્યું હતું. S.O.G સ્ટાફને મળેલી ચોક્કસ માહિતીના આધારે P.S.I એમ.એસ.અંસારીએ હરીઓમ એક્યુપ્રેશર એન્ડ નેચરોથેરાપી સેન્ટરમાં પોલીસ મિત્ર મુક્તાબેન અને તેના પતિ મહેશ મુંધવાને ડમી ગ્રાહક બનાવી મોકલ્યા હતા.
આરોપીઓએ સોનોગ્રાફી મશીન દ્વારા દિકરો છે કે દિકરી તેનું જાતીય પરીક્ષણ કરવાના અને જો દિકરી હોય તો તેનું ગર્ભપાત પણ કરી આપવાની તૈયારી બતાવી હતી.
આરોપીઓએ ગર્ભ પરીક્ષણ માટે રૂ.૧૨ હજાર અને ગર્ભપાત કરાવી આપવા બદલ રૂ.૨૦ હજારનો ચાર્જ કહ્યો હતો. S.O.G સ્ટાફે મનપાના આરોગ્ય વિભાગના સ્ટાફ સાથે રેડ કરી હતી. સ્થળ પરથી સોનાગ્રાફી મશીન, જેલની બોટલો, 3 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ માધ્યમિક શિક્ષણ સુધીનો અભ્યાસ કર્યો છે, આ સિવાય તેમની પાસે કોઈ ડિગ્રી નથી. ૩ આરોપીઓ અગાઉ ડોક્ટરને ત્યાં નોકરી કરતા હતા. જેનો અનુભવ કામે લઈ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ શરૂ કર્યું હતું. આરોપી અમિત અને દિનેશ અગાઉ મધુરમ હોસ્પિટલમાં, જ્યારે અવેશ ધોરાજીમાં ગાયનેક ડો.ફળદુને ત્યાં નોકરી કરતો હતો. S.O.G એ મનપાના આરોગ્ય શાખાના અધિકારી ડો.લલિત વાઝાની ફરિયાદ પરથી આરોપીઓ સામે તાલુકા પોલીસ મથકમાં P.C & P & P.T એક્ટ ૧૯૯૪ની કલમો ઉપરાંત I.P.C કલમ.૩૧૫,૩૧૧ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ