સગર્ભા માતાઓના સ્વાસ્થ્ય રક્ષામાં વડોદરા જિલ્લાની ઊંચી ઉડાન

હિન્દ ન્યુઝ, વડોદરા

     ‘એનિમિયા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાએ આરોગ્ય ક્ષેત્રે એક મોટી સફળતા હાંસલ કરી છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાની તમામ સગર્ભા માતાઓને આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ પૂરી પાડવાની ઉમદા કામગીરીમાં વડોદરા જિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય ક્રમે રહ્યો છે. ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન જિલ્લાની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ વડોદરા જિલ્લાની આરોગ્ય ટીમને સત્તાવાર રીતે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આગવી વ્યૂહરચના, વિવિધ સરકારી વિભાગો વચ્ચેનું શ્રેષ્ઠ આંતરવિભાગીય સંકલન અને ક્ષેત્ર સ્તરે કરવામાં આવેલા સતત મોનિટરિંગને કારણે આ મહત્વપૂર્ણ લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાયો છે. સમગ્ર આરોગ્ય ટીમે આ સરકારી અભિયાનને એક જનઆંદોલનનું સ્વરૂપ આપીને જિલ્લામાં તેનું સફળતાપૂર્વક અમલીકરણ કર્યું છે.

સગર્ભા માતાઓના સર્વાંગી સ્વાસ્થ્ય સુરક્ષા અને સુરક્ષિત માતૃત્વ માટે ‘એનિમિયા મુક્ત ભારત’ અભિયાન અત્યંત નિર્ણાયક સાબિત થઈ રહ્યું છે. લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ એટલે કે એનિમિયાના કારણે થતો થાક, શારીરિક નબળાઈ અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો જેવી ગંભીર સમસ્યાઓ સગર્ભા માતાના સ્વાસ્થ્ય તેમજ ગર્ભસ્થ બાળકના સામાન્ય વિકાસને અવરોધે છે.

આ ગંભીર આરોગ્ય સમસ્યાના કાયમી નિવારણ માટે વડોદરા જિલ્લામાં સુદ્રઢ અને સચોટ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. મીનાક્ષી ચૌહાણના સક્ષમ નેતૃત્વ હેઠળ આરોગ્ય વિભાગની સમગ્ર ટીમે પ્રત્યેક સગર્ભા માતા સુધી આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા અને એનિમિયા મુક્ત માતૃત્વના રાષ્ટ્રીય લક્ષ્યને સાકાર કરવા ભગીરથ પ્રયાસો કર્યા છે.

આ ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરવામાં જિલ્લાના તબીબી અધિકારીઓ, સામુદાયિક આરોગ્ય અધિકારીઓ, સ્ટાફ નર્સ, એ.એન. એમ., આશા બહેનો, આંગણવાડી કાર્યકરો તેમજ સમગ્ર પાયાના આરોગ્ય તંત્રનું અનન્ય અને મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. 

સગર્ભા માતાઓને સમયસર આયર્નની ગોળીઓ ઉપલબ્ધ કરાવવી, તેના નિયમિત સેવન અંગે જરૂરી તબીબી માર્ગદર્શન આપવું અને ગ્રામ્ય સ્તર સુધી આરોગ્યલક્ષી વ્યાપક જાગૃતિ ફેલાવવાના સઘન પ્રયાસોને પરિણામે વડોદરા જિલ્લાને આ રાજ્ય કક્ષાનું બહુમાન પ્રાપ્ત થયું છે. આ સાથે જ પોષણયુક્ત આહારના મહત્વ અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે પણ જિલ્લામાં વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment