દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ

દાહોદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાયદો અને વ્યવસ્થા, રોડ સેફ્ટી તેમજ અનધિકૃત દબાણો અંગેની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કરવામાં આવેલી કડક કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ખેડૂતોને પાક સંરક્ષણ માટે આપવામાં આવેલા હથિયારના પરવાના અને પાસા (PASA) હેઠળ થયેલી કાર્યવાહીની પણ વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.

રોડ સેફ્ટી અંગેની સમીક્ષા દરમિયાન જિલ્લામાં નોંધાયેલા અકસ્માતો અને તેમાં થયેલા મૃત્યુની આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી. ગત મહિના દરમિયાન થયેલી કામગીરી જિલ્લા કલેક્ટરશ્રીના ધ્યાને મૂકવામાં આવી હતી. અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે કલેક્ટરએ આરટીઓ (RTO) વિભાગને સરપ્રાઈઝ વિઝિટ યોજવા અને હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરી કડક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. વધુ અકસ્માતો થતા હોય તેવા સંવેદનશીલ સ્થળો પર જાગૃતિ (અવેરનેસ) કાર્યક્રમો યોજવાની સાથે સ્થાનિક સ્તરે ફર્સ્ટ એઈડ (પ્રાથમિક સારવાર) તાલીમ આપવાનું પણ આયોજન કરવા સુચન કરાયા હતા.

જિલ્લામાં અનધિકૃત દબાણો અંગે ચર્ચા કરતા કલેક્ટરએ રસ્તાઓ પર અડચણરૂપ બનતા દબાણોનું પુનઃ સર્વે (Re-survey) કરી ચોક્કસ ડેટા તૈયાર કરવા અને આવા દબાણો વહેલી તકે દૂર કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.

આ અન્વયે દાહોદ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, નાયબ પોલીસ અધિક્ષકઓ, આર.ટી.ઓ., પ્રાંત અધિકારીઓ, કાર્યપાલક ઇજનેરઓ, મામલતદારઓ તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment