વલસાડ જિલ્લામાં જ્ઞાન સહાયક યોજનાના બીજા તબક્કામાં 95 ઉમેદવારોને શાળા પસંદગી બાદ નિમણૂક ઓર્ડર એનાયત કરાયા

હિન્દ ન્યુઝ, વલસાડ 

   રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” અંતર્ગત સમગ્ર શિક્ષા, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શહેરની આર જે જે સ્કૂલ ખાતે ભરતી પ્રક્રિયાના બીજા તબક્કાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

જ્ઞાન સહાયક યોજનાનો મુખ્ય હેતુ રાજ્યની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. સમગ્ર ભરતી પ્રક્રિયા રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ સંપૂર્ણ પારદર્શિતા અને મેરિટના ધોરણે હાથ ધરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી, વલસાડ ડૉ. રાજેશ્રી એલ. ટંડેલની ઉપસ્થિતિમાં ઉમેદવારો માટે શાળા પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બીજા તબક્કામાં માધ્યમિક વિભાગના 45 તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના 50, એમ કુલ 95 ઉમેદવારોએ મેરિટના આધારે પોતાની પસંદગી મુજબ શાળાની પસંદગી કરી હતી. શાળા પસંદગી પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારોને 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે નિમણૂક ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ડૉ. રાજેશ્રી એલ. ટંડેલે નિયુક્ત જ્ઞાન સહાયકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, શિક્ષક સમાજના ઘડવૈયા છે અને જ્ઞાન સહાયક તરીકેની જવાબદારી માત્ર વિષય જ્ઞાન પૂરતી મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, સંસ્કાર સિંચન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવાની પણ છે. તેમણે તમામ જ્ઞાન સહાયકોને નિષ્ઠા, પ્રામાણિકતા અને સમર્પણભાવથી ફરજ બજાવવા અનુરોધ કર્યો હતો.

આ સમગ્ર ભરતી પ્રક્રિયાનું આયોજન જ્ઞાન સહાયક ભરતીના જિલ્લા નોડલ અધિકારી તથા શિક્ષણ નિરીક્ષક શ્રી બિપીનભાઈ પટેલના માર્ગદર્શન અને સંકલન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. ઉમેદવારોની હાજરી, દસ્તાવેજોની ચકાસણી, મેરિટ મુજબ શાળા પસંદગી અને નિમણૂક ઓર્ડર વિતરણ સહિતની સમગ્ર કામગીરી પારદર્શક, સુવ્યવસ્થિત અને સમયબદ્ધ રીતે સંપન્ન કરવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, વલસાડના અધિકારીઓ અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ ભરતીથી જિલ્લાની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ કાર્યને વધુ મજબૂતી મળશે તેમજ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.

Related posts

Leave a Comment