જામનગર જિલ્લા વહીવટી તંત્રના સફળ પ્રયાસોથી શાળાએ ન જતી ૯ દીકરીઓએ પુનઃઅભ્યાસ શરુ કર્યો

હિન્દ ન્યુઝ, જામનગર 

    જામનગર જિલ્લા વહીવટીતંત્ર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં શાળાએ ન જતી અને વિવિધ કારણોસર અભ્યાસથી વંચિત રહેલી કુલ ૯ દીકરીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પુનઃ પ્રવેશ અપાવવામાં સફળતા મળી છે. આ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણના અધિકારને સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કક્ષાએ વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આ અનુસંધાને કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં પુનઃપ્રવેશ મેળવનાર દીકરીઓ સાથે સંવાદ, દીકરીઓએ શાળા છોડવા પાછળના પોતાના કારણો જણાવ્યા હતા. સંબંધિત અધિકારીઓએ પણ તેમના પ્રશ્નો અને પડકારોને ધ્યાનપૂર્વક સાંભળીને જરૂરી સહાય અને માર્ગદર્શન આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.

કલેક્ટરએ દીકરીઓ સાથે હૃદયસ્પર્શી સંવાદ કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણ એ જીવનમાં પ્રગતિ અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનો સૌથી મહત્વપૂર્ણ માર્ગ છે. દરેક દીકરીને પોતાના સપનાઓ સાકાર કરવાની સમાન તક મળવી જોઈએ અને તે માટે શિક્ષણ અત્યંત આવશ્યક છે. તેમણે દીકરીઓને નિયમિત રીતે શાળામાં હાજરી આપી અભ્યાસ ચાલુ રાખવા, આત્મવિશ્વાસ સાથે આગળ વધવા અને સમાજ માટે પ્રેરણારૂપ બનવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે તમામ દીકરીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

જામનગર મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બાળકીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા, શાળા છોડનાર બાળકોની ઓળખ કરી તેમને પુનઃ શિક્ષણ સાથે જોડવા તથા કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં બાળ અધિકારોના સંરક્ષણ અને બાળકી શિક્ષણના પ્રોત્સાહન માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો પણ અમલમાં છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, મહિલા અને બાળ અધિકારીશ્રી પૂજા ડોડીયા, સખી વન સ્ટોપ સેન્ટર, પ્રિવેન્ટી રેસ્ક્યુ સેન્ટર, ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવર વીમેનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment