હિન્દ ન્યુઝ, પોરબંદર
પ્રધાન સેવકની જેમ નાગરિકોના કાર્ય કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદર જિલ્લામાં ‘પ્રગતિ પથ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો આકર્ષક ઢબે ઢોલ અને ગરબાના તાલે પોરબંદર આઈ.ટી.આઈ. ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ વિકાસકાર્યો, શૈક્ષણિક, આરોગ્ય, માર્ગ સલામતી, પ્રવાસન અને જનસુવિધા સંબંધિત પ્રકલ્પોની સ્થળ મુલાકાત લઈ આગેવાનો, પદાધિકારીઓ અને અધિકારીઓએ સેવાઓ અને વિકાસકાર્યોની માહિતી મેળવી હતી.
યાત્રા દરમિયાન આઈ.ટી.આઈ. ખાતે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સાધનો અને પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિવિધ ટ્રેડની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને મળતી રોજગારીની તકો તથા કૌશલ્ય વિકાસ સંબંધિત પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવવામાં આવી હતી.
ત્યારબાદ મેડિકલ કોલેજની મુલાકાત દરમિયાન મેડિકલ કોલેજના ડીન ડૉ. સુશીલકુમાર દ્વારા હોસ્ટેલ, લાઇબ્રેરી, ક્લાસરૂમ, આધુનિક લેબોરેટરીઓ અને અદ્યતન મશીનો સહિતની સુવિધાઓ તેમજ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી. સાથે જ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ કાર્યરત થયે દર્દીઓને મળનારી આરોગ્યસેવાઓ અને વિવિધ સુવિધાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
સોમનાથ–દ્વારકા નેશનલ હાઇવેની મુલાકાત દરમિયાન હાઇવેના નિર્માણથી નાગરિકોને થયેલા લાભો અંગે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત આર.ટી.ઓ. કચેરી ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો, વિવિધ સેવાઓ અને સુવિધાઓ અંગે માહિતી મેળવવામાં આવી હતી.
ખાપટ સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાત દરમિયાન બાલિકાઓ માટે ઉપલબ્ધ રહેણાંક અને શૈક્ષણિક સુવિધાઓ તેમજ દીકરીઓના શિક્ષણમાં થઈ રહેલી પ્રગતિ અંગે માહિતી આપવામાં આવી હતી.
પોરબંદર સ્થિત રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ)ના જૂના બિલ્ડિંગના રેસ્ટોરેશન કાર્ય તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓની વિગતોનું અવલોકન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્પોર્ટ્સ સંકુલ ખાતે રમતગમત માટે ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
ગોસા ખાતે મોકરસાગર પ્રવાસન વિકાસ પ્રોજેક્ટની મુલાકાત દરમિયાન નિર્માણાધીન સનસેટ પોઇન્ટ, વોચિંગ ટાવર, ઇન્ટરપ્રિટેશન બિલ્ડિંગ, મ્યુઝિયમ, પાર્કિંગ સહિતની વિવિધ પ્રવાસન સુવિધાઓ અંગે જાણકારી મેળવવામાં આવી હતી.
આ ઉપરાંત ટુકડા ગોસા પ્રાથમિક શાળા તથા ભડ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પી.એચ.સી.)ની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી વાજાએ પી.એચ.સી. દ્વારા આપવામાં આવતી આરોગ્ય સેવાઓની માહિતી આપી હતી.તેમજ માધવપુર સ્થિત શ્રીકૃષ્ણ-રુક્ષ્મણી મંદિર ખાતે હાથ ધરાયેલા વિકાસકાર્યો અને યાત્રાળુઓ માટે ઉપલબ્ધ જાહેર સુવિધાઓ અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી.
આ પ્રગતિ પથ યાત્રા દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ ઓડેદરા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપ કેશવાલા, મહાનગરપાલિકાના મેયર સાગર મોદી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કપીલ કોટેચા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ઓડેદરા, અગ્રણી લખન મોઢવાડિયા સહિતના આગેવાનો, પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતા.
