નવસારી કલેક્ટર મનીષ ગુરવાનીએ ચીખલી પ્રાંત કચેરીની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું

હિન્દ ન્યુઝ, નવસારી

    નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ આજે ચીખલી પ્રાંત કચેરીની મુલાકાત લઈ વિવિધ શાખાઓમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે કચેરી ખાતે કાર્યરત નાગરિક સુવિધા કેન્દ્ર તથા આધારકાર્ડ વિભાગની કામગીરીની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.

કલેક્ટરએ કચેરીમાં વિવિધ કામકાજ માટે આવતા નાગરિકોને સ્વચ્છ અને સુવિધાસભર વાતાવરણ ઉપલબ્ધ થાય તે માટે ખાસ ભાર મૂક્યો હતો. તેમણે ચીખલી મામલતદારશ્રી તથા સંબંધિત અધિકારીશ્રીઓને કચેરી ખાતે સ્વચ્છતા જાળવવા, પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમજ નાગરિકોને બેઠક વ્યવસ્થાની કોઈ અગવડતા ન પડે તે માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી.

                        વધુમાં, આધારકાર્ડ, વિધવા સહાય પેન્શન સહિતની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ અંગેની માહિતી ગ્રામજનો અને નાગરિકોને સરળતાથી અને અસરકારક રીતે ઉપલબ્ધ થઈ શકે તે માટે ગુજરાતી ભાષામાં માહિતીપ્રદ આઈ.ઈ.સી. (IEC) બેનરો પ્રદર્શિત કરવા સૂચન કર્યું હતું. તેમણે નાગરિકકેન્દ્રિત સેવાઓને વધુ સુલભ, પારદર્શક અને અસરકારક બનાવવા માટે સતત પ્રયાસશીલ રહેવા ભાર મૂક્યો હતો.

                    આ મુલાકાત દરમિયાન ઈન્ચાર્જ ચીખલી પ્રાંત અધિકારી રોશની પટેલ, ચીખલી મામલતદાર તેમજ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment