વસ્તી ગણતરી- ૨૦૨૭ના પ્રથમ તબક્કાનો જૂનાગઢ જિલ્લામાં વંથલીના વાડલા ગામેથી વિધિવત પ્રારંભ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

     જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ વસ્તી ગણતરી- ૨૦૨૭ના પ્રથમ તબક્કાનો જૂનાગઢ જિલ્લામાં વંથલીના વાડલા ગામેથી વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. 

જિલ્લા કલેકટર વસ્તી ગણતરીની પ્રક્રિયામાં સહભાગી બની, સ્વયં વડલા ગામે મકાન માલિકના ઘરે પહોંચ્યા હતા, પ્રતિકાત્મક રીતે વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાતા તેમણે ઘરે હાજર વડારિયા પરિવારના બહેન પાસેથી વસ્તી ગણતરી અંતર્ગતની માહિતી મેળવી હતી, સાથે જ મેળવેલી માહિતીને મોબાઈલમાં માધ્યમથી અપલોડ પણ કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ સહજ સંવાદ સાધી વસ્તી ગણતરીની વિગતો મેળવી હતી અને સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો.

જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની શરૂઆત થઈ છે, તેના ભાગરૂપે આજે ગણતરીકાર સાથે રહીને વસ્તી ગણતરી અંતર્ગતની વિગતો ભરી હતી. તેમણે જણાવ્યું કે, વસ્તી ગણતરીની પ્રક્રિયા બહુ સરળ છે મોબાઈલ ફોનના માધ્યમથી જ હાઉસ લિસ્ટિંગ સહિતની અન્ય પ્રક્રિયા થોડા જ સમયમાં પૂર્ણ થઈ જાય છે.

તેમણે જૂનાગઢ જિલ્લાના નાગરિકોને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે, જ્યારે પણ શિક્ષકો સહિતના કર્મચારી વસ્તી ગણતરી માટે આવે ત્યારે તેમને સહયોગ કરે અને યોગ્ય માહિતી આપે. વસ્તી ગણતરીનો આ ડેટા દેશના ભવિષ્ય અને નીતિ ઘડતર માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ માહિતીના આધારે જનકલ્યાણ માટેની નીતિઓનું ઘડતર થશે.

ઉલ્લેખનીય છે કે, વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં મકાન, મકાનની સ્થિતિ, મકાનનો ઉપયોગ, વીજળી, પાણી, શૌચાલય, વગેરે મૂળભૂત સુવિધાઓ અને ઉપલબ્ધ ભૌતિક સાધનોની વિગતો એકત્રિત કરવામાં આવશે. ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં વ્યક્તિગત માહિતી એકત્ર કરવાનો બીજો તબક્કો શરૂ થશે.

જિલ્લા કલેક્ટરએ આ મુલાકાત દરમિયાન વાડલા ગામના આગેવાનો અને અન્ય અધિકારીઓ સાથે ગામના વિકાસ કાર્યો ઉપરાંત અન્ય પાયાની સુવિધાઓ અંગે પણ ચર્ચા કરી હતી. 

આ તકે વડલાના જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી ઇન્દુબેન ભરતભાઈ ચાવડા, પ્રાંત અધિકારી કે.પી. ગોહિલ, મામલતદાર સુરેશભાઈ ખાંભલા, વસ્તી ગણતરીના માસ્ટર ટ્રેનર ડોડીયા, તાલુકા વિકાસ અધિકારી, વસ્તી ગણતરીકાર પૂનમબેન ચોચા, સુપરવાઇઝર રાજેશભાઈ અધેરા સહિત ગ્રામ આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment