હિન્દ ન્યુઝ, સુરત
સુરતની ‘જરી’ની વૈશ્વિક ચમક: GI ટેગ પ્રાપ્ત ‘જરી ઉદ્યોગ’ ધરાવે છે ૧૨૦ વર્ષ જુના ઐતિહાસિક મૂળ
મુઘલ કાળથી દેશ વિદેશોમાં પ્રસિદ્ધ થયેલા સુરતના પારંપરિક ‘જરી ઉદ્યોગ’નો વારસો આજે પણ જીવંત
રેશમ અને કપાસના તાર પર સોના-ચાંદી-તાંબાના મિશ્રણનું પડ ચઢાવી બને છે રિઅલ અને ઈમિટેશન જરી: બનારસી-કાંજીવરમ સાડીઓ, હસ્તકલા અને જરદોશી ભરતકામમાં વ્યાપકપણે ઉપયોગ
ભારતની ૭૦% જરીનું ઉત્પાદન એકલું સુરત કરે છે: અંદાજે ૨.૫૦ લાખથી વધુ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જરી ઉદ્યોગથી મેળવે છે રોજીરોટી
પ્રાચીન કાળમાં સુરત ધમધમતું બંદર હોવાને કારણે જરી અને તેમાંથી બનેલા ‘કિનખાબ’ કાપડની નિકાસ આરબ અને યુરોપિયન દેશોમાં થતી હતી
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં MSME, ઔદ્યોગિક અને ક્ષેત્રીય વિકાસને વેગ આપવા માટે તા.૧ અને ૨ મે ના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ’ (VGRC)ની ત્રીજી આવૃત્તિ સુરતના આંગણે યોજાનાર છે. VGRCની યજમાની કરવાની તક મેળવનાર રાજ્યના આર્થિક પાટનગર સમા સુરત શહેરે તેની વ્યાવસાયિક સુઝબુઝ અને સાહસવૃત્તિથી દેશવિદેશમાં ખ્યાતિ મેળવી છે. હીરા અને કાપડ વ્યવસાયમાં વિશ્વ વિખ્યાત સુરતનો ‘જરી ઉદ્યોગ’ આ શહેરની સાહસિકતા, પ્રાચીન ગૌરવને ઉજાગર કરે છે.
સુરત શહેરના બેગમપુરા, વાડીફળિયા, ખટોદરા, ભાટેના અને નવાપુરા જેવા વિસ્તારો એક સદી પહેલા સુરતમાં વિકાસ પામેલા જરી ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો રહ્યા છે. મૂળ સુરતના ગોલા-કણબી, ખત્રી, રાણા અને પટેલ જ્ઞાતિના કુટુંબો અંદાજે ૧૨૦ વર્ષ જૂની વંશપરંપરાગત કલાને પેઢી દર પેઢી જીવંત રાખી રહ્યા છે. સુરતની ભૌગોલિક પરિસ્થતિ, અહીંની ભેજવાળી હવા જરીના તારના વણાટ અને ખેંચાણ માટે અત્યંત અનુકૂળ છે. આ જ કારણથી અહીં ઉત્પાદિત જરીની ગુણવત્તા સર્વોત્તમ રહે છે.
