હિન્દ ન્યુઝ, અમરેલી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના ત્રાકુડા ગામ ખાતે રાત્રિવિશ્રામ કર્યા બાદ ઊઘડતી ઉષાએ શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.
ટેન્ટ સિટી ખાતે પરોઢિયે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલએ ઉપસ્થિત યોગ સાધકો સાથે વિવિધ યોગાસનો કર્યા હતા અને યોગના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, નિયમિત યોગાભ્યાસથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
તેમણે જણાવ્યું હતું કે, યોગ એ ભારતની પ્રાચીન વિરાસત છે જેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વવ્યાપી બનાવ્યો છે. વ્યસ્તજીવનશૈલીમાં યોગ અને પ્રાણાયામ સ્વસ્થ જીવન માટે અત્યંત જરૂરી છે.
