હિન્દ ન્યુઝ, દાહોદ
લોકશાહીના સૌથી મોટા ઉત્સવ સમાન ચૂંટણી પ્રક્રિયામાં જ્યારે સામાન્ય નાગરિકો મતદાન કરવા ઉમટી પડ્યા હતા, ત્યારે દાહોદ જિલ્લામાં અનેક સ્થળોએ પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા હતા. મતદાન દિવ્યાંગ, અશક્ત અને વયોવૃદ્ધ મતદારોએ મતદાન કરીને અન્ય મતદારોને મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. ચૂંટણીના દિવસે કાળઝાળ ગરમી અને ભીડ વચ્ચે અનેક પડકારો હતા. ખાસ કરીને ૮૦ વર્ષથી વધુ વયના વૃદ્ધો અને શારીરિક રીતે અક્ષમ મતદારો માટે બૂથ સુધી પહોંચવું પણ મુશ્કેલ હોય તેવા વૃદ્ધ મતદારો પણ મતદાન બુથ ખાતે પોતાનો કીમતી મત આપવા માટે પરિવાર સહિત અન્યોની મદદ સાથે પહોંચ્યા હતા. પોલીસ કર્મચારીઓ દ્વારા પણ સુરક્ષાની સાથે-સાથે વરિષ્ઠ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જેમાં દાહોદના સેન્ટ સ્ટીફન સ્કૂલ ખાતે ૯૬ વર્ષીય હાફિઝ અબ્દુલહમીદ અદા કે જેઓ ચાલી શકવા ઉપરાંત ઉભા કે બેસવા માટે પણ સક્ષમ નથી એઓએ પણ મતદાન કરી લોકશાહી પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી હતી. એમના આવતાં જ સ્થળ પર હાજર અધિકારીઓ અને લોકોએ તેમના ઉત્સાહને બિરદાવ્યો હતો. આ વૃદ્ધ મતદારને જોતા જ અન્ય મતદારોને એ સંદેશ મળે કે, દરેક મત એ કેટલો અમૂલ્ય છે અને લોકશાહી મજબૂત બનાવવા દરેકેદરેક નાગરિકની ભાગીદારી અત્યંત જરૂરી છે.
