ડાંગ જિલ્લામાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી અંતર્ગત આહવામાં “મહિલા સંમેલન” યોજાશે

હિન્દ ન્યુઝ, ડાંગ

  ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે તારીખ ૮ મી માર્ચ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ–૨૦૨૬” ની ઉજવણી આગામી તારીખ ૧૦ મી માર્ચના રોજ કરાશે. 

ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇનના અધ્યક્ષ સ્થાને સવારે ૧૧ વાગ્યે આહવાના ડાંગ દરબાર હોલ ખાતે આ કાર્યક્રમના ભાગરૂપે “મહિલા સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું છે. 

 

આ “મહિલા સંમેલન” માં મહિલા ઉદ્યોગ સાહસિકોનું સન્માન, મહિલા સરપંચ/બાલિકા પંચાયતની દીકરીઓનું સન્માન, વ્હાલી દીકરી કીટ/મંજુરી હુકમનું વિતરણ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને મંજુરી હુકમોનુ વિતરણ, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ, અને મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને ચેક/સહાય વિતરણ સાથે અન્ય વિભાગોની મહિલાલક્ષી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવશે.

આ કાર્યક્રમ માટે ડાંગ જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા પુરવઠા અધિકારી, કાર્યપાલક ઈજનેર, (સ્ટેટ અને પંચાયત), જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આઈ.સી.ડી.એસ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, લીડ બેંક, જિલ્લા રોજગાર અધિકારી, તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી વિગેરે કચેરીઓ સહભાગી બની મહિલા સંમેલનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. 

દરમિયાન વિવિધ વિભાગો દ્વારા માહિતીપ્રદ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં પોલીસ સ્ટેશન, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાવો યોજના, ડીસ્ટ્રીક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ, લીડ બેંક, આંગણવાડી કેન્દ્રોમાં અપાતા ફૂડ પોષણનું પ્રદર્શન, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ડિજિટલ સાક્ષરતા, સાયબર સિક્યોરિટી વગેરે સ્ટોલ મારફત મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવશે.

જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના પદાધિકારીશ્રી, સામાજિક આગેવાનો, મહિલાઓ, કિશોરીઓ, જાહેર જનતા, મહિલા ઉદ્યોગ સાહસિકો, મહિલા ખેડૂત, મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓના લાભાર્થી બહેનોને આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં હાજર રહેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી આહવા ડાંગની એક અખબારી યાદીમાં જણાવાયું છે. 

 

Related posts

Leave a Comment