ડાંગ જિલ્લાની ૪૧ હજારથી વધુ મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવતી ‘મિશન મંગલમ’ યોજના

આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ 

હિન્દ ન્યુઝ, ડાંગ

   ‘મહિલા સશક્તિકરણ’ સાથે ‘આત્મનિર્ભર ભારત નિર્માણ’ ની દિશામાં રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાએ મક્કમ ગતિએ પ્રયાણ શરૂ કર્યું છે.

ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવાના આશય સાથે ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકની ‘મિશન મંગલમ’ યોજના તળે સને ૨૦૧૧ થી લઈને ૨૦૨૫ સુધીમાં જિલ્લામાં કુલ-૪૧૨૮ જેટલા ‘સખી મંડળો’ ની રચના કરી, તેમના સશક્તિકરણનું કપરૂ કાર્ય પાર પાડવામાં આવ્યું છે.

જે પૈકી ૬૫૦થી વધુ મંડળની બહેનો દ્વારા નાગલીની વિવિધ પ્રોડક્ટ તૈયાર કરવા સાથે વાંસકામ, શિવણકામ, કાજુ પ્રોસેસિંગ, ચોકલેટ પ્રોડક્ટ, મશરૂમ ઉત્પાદન, હળદરનું યુનિટ, પોલ્ટ્રી ફાર્મ, અને નાહરી રેસ્ટોરન્ટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. આ સ્થાનિક ઉત્પાદનોને બજાર વ્યવસ્થા પુરી પાડવાના ભાગરૂપે ગ્રામ્ય હાટ તથા પ્રાદેશિક મેળાઓમા તેમનું જોડાણ કરીને, આજીવિકા વૃદ્ધિના સ્તુત્ય પ્રયાસો પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.

ગ્રામીણ મહિલાઓની આર્થિક ઉન્નતિ સાથે તેમનામા સમાનતાનો ભાવ જાગે તે દિશામાં પ્રયાસો હાથ ધરી, નાના મોટા શુભ/અશુભ પ્રસંગોએ ખાનગી રાહે વ્યાજે પૈસા મેળવવાના દૂષણમાંથી પણ આવી મહિલાઓને બચાવી શકાય છે.

આર્થિક વ્યવસાય સાથે નાની બચતના કારણે સખી મંડળોની બહેનો અંદરો અંદર જ તેમની નાની મોટી નાણાંકિય જરૂરિયાતો પૂર્ણ કરી, બચત અને ધિરાણ કરતી થઈ છે. ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા A અને B ગૃપ ધરાવતા જુથને રૂ. ૩૦ હજાર અને C ગૃપ ધરાવતા જુથને રૂ. ૨૦ હજારનું રીવોલ્વિંગ ફંડ પણ આપવામાં આવે છે, કે જેથી આ જુથોની આર્થિક પ્રવૃતિને વેગ મળી શકે.

ડાંગ જિલ્લામાં ૨૦૧૧ થી ૨૦૨૫ સુધી કુલ ૨૭૪૧ જેટલા જુથોને રૂ. ૪૪૮.૫૮ લાખનું રીવોલ્વિંગ ફંડ એનાયત કરાયું છે. આ સાથે જિલ્લામાં ૨૬૪ જેટલા ગ્રામ સંગઠનોની પણ રચના કરવામાં આવી છે. જે પૈકી ૧૬૩ જેટલા ગ્રામ સંગઠનોને રૂ. ૧૩૮૦ લાખનું CIF આપવામાં આવ્યું છે. જ્યારે ૨૬૦૯ જુથોને રૂ. ૨૬૦૯ લાખની કેશ ક્રેડીટ પણ જુદી જુદી બેન્કો મારફત આપવામાં આવી છે. 

આ ઉપરાંત સને ૨૦૨૨ થી ૨૦૨૫ સુધી જિલ્લાના ૭૩૯ જેટલા સ્વસહાય જુથોને રૂ. ૧૮૪૭.૫૦ લાખનું સ્ટાર્ટ અપ ફંડ પણ પુરૂ પાડવામાં આવ્યું છે. તો સાથે ૧૧૮ જેટલા ગ્રામ સંગઠનોને પણ રૂ. ૭૮૫ લાખનું સ્ટાર્ટ અપ ફંડ એનાયત થઈ ચૂક્યું છે. જ્યારે ૮ જેટલા ક્લસ્ટર લેવલ ફેડરેશનને સને ૨૦૨૨ થી ૨૦૨૫ દરમિયાન કુલ રૂ. ૧૨૨.૫૦ લાખનું સ્ટાર્ટ અપ ફંડ અર્પણ કરીને ‘આત્મ નિર્ભર’ બનાવવાની દિશામાં અગ્રેસર કરાયા છે.

આમ, ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના ૪૧૨૮ જેટલા સ્વસહાય જુથોની ૪૧ હજાર ૨૮૦ મહિલાઓને આર્થિક રીતે પગભર કરીને, તેમને સાચા અર્થમાં સશક્ત બનાવવામાં આવી છે.

Related posts

Leave a Comment