હિન્દ ન્યુઝ, ગાંધીનગર
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ઉર્જા અને પેટ્રોલ કેમિકલ્સ વિભાગના મંત્રી ઋષિકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયત, ગાંધીનગર આયોજિત પંચાયતના પદાધિકારીઓનો સ્નેહમિલન અને તાલીમ શિબિર કાર્યક્રમ યોજાયો હતો.
સમારોહમાં મંત્રી ઋષિકેશભાઇ પટેલે આ તાલીમ કાર્યક્રમ દ્વારા ગાંધીનગર જિલ્લા પંચાયતને અનોખી ભાત પાડવા બદલ અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે. ઋષિકાળ અને વેદકાળથી ગ્રામ્ય વિસ્તારોમાં પંચ, પટેલ કે ગામની સમિતિઓ સ્થાપિત થયેલી હતી. આજે આ સમિતિઓને બંધારણીય દરજ્જો પ્રાપ્ત છે. ૨૮૬ ગામના સરપંચશ્રીઓ જ્યારે એકઠા થયા છે ત્યારે બંધારણીય દરજ્જા સાથે તમામ સરપંચોની બંધારણીય જવાબદારીઓ પણ મહત્વપૂર્ણ છે.
સરપંચ એ ગામડાનો મુખ્યમંત્રી જ છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ માટે સરપંચોએ નિયમોની જાણકારી સાથે વહીવટી જ્ઞાનનું માર્ગદર્શન પણ મેળવવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી, વીજળી, રસ્તા જેવી મહત્વની સુવિધાઓ પહોંચાડી છે પરંતુ ગામના તમામ લોકો સુધી સર્વાંગી વિકાસ પહોંચાડવાની જવાબદારી સરપંચના શિરે છે. ગામના વિકાસ માટે ગ્રામ સભામાં વધુને વધુ લોકો સામેલ થાય તે માટે પ્રચાર કરી ગ્રામજનોની સામેલગીરી સુનિશ્ચિત કરવી જોઈએ.
તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીએ વિકસિત ભારતના મહત્વના અંગ એવા વિકસિત ગામના નિર્માણ પર ભાર મૂક્યો છે. આ માટે મુખ્યમંત્રીએ દરેક ગામમાં ગ્રામ પંચાયતના સુલભ સદન હોવાના નિશ્ચય સાથે જે તે વિસ્તારમાં જર્જરિત ગ્રામ પંચાયતોના નવા સદનો તૈયાર કરવાનો પણ નિર્ણય લીધો છે. વિકસિત ગ્રામ માટે વતન પ્રેમ યોજના, ગ્રામોત્થાન યોજના અને જી-રામજી જેવી યોજનાઓનો લાભ લેવા માટે મંત્રીએ અપીલ કરી હતી. આ સાથે તેમણે ગામના વિકાસ માટે સરપંચોને આગામી પાંચ વર્ષના વિકાસ કાર્યો માટેના આયોજન તૈયાર કરી તેમના એસ્ટીમેન્ટ સાથે ગામને વિકાસ માર્ગે આગળ લઈ જવા અને ગામમાં મત મતાંતર ઘટાડવા તથા સુલેહ શાંતિ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવવાની અભ્યર્થના વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલે કાર્યક્રમને વિકાસના સંકલ્પ સમાન જણાવી કહ્યું હતું કે, આ કાર્યક્રમથી ગાંધીનગર જિલ્લો વધુ મજબૂત બનશે. પાંચ વર્ષમાં રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પાણી વગેરે વિકાસ કામને ગતિ મળી છે, સાથે જ બાળકો અને મહિલાઓના વિકાસ માટે મહત્વના પગલા જિલ્લા પંચાયત દ્વારા લેવામાં આવ્યા છે. તેમણે ૨૮૬ ગ્રામ પંચાયતના સરપંચો, સદસ્યોને અનુરોધ કરતા કહ્યું હતું કે, ગામના વિકાસ સાથે ગ્રામીણ જીવન વધુ સુલભ બને તે માટે ગામને આધુનિક બનાવવા પડશે તો જ ગ્રામજનોનું સ્થળાંતર અટકશે અને ગ્રામ સ્વરાજનો મંત્ર સિદ્ધ થશે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી.જે પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા પ્રધાનમંત્રીના ગ્રામ આત્મનિર્ભરતા થકી રાષ્ટ્ર સ્વનિર્ભરતાના વિઝનને ગાંધીનગર જિલ્લામાં સાકાર કરવામાં આ તાલીમ મહત્વપૂર્ણ બની રહેશે તેમ જણાવ્યું હતું.
આ એક દિવસીય તાલીમમાં કાર્યક્રમમાં ભૂતપૂર્વ સરપંચશ્રી પુંસરી ગ્રામ પંચાયત દ્વારા નવા ચૂંટાયેલા સરપંચોને તાલીમ શિબિરમાં ગ્રામ પંચાયતનું સ્વભંડોળ કઇ રીતે વધારવુ તેમ પંચાયત વિકાસ સૂચકાંક દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કઇ રીતે હાંસિલ કરવા તેની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ભુજ તાલુકાના કુનરીયા ગામના ઉપસરપંચ દ્વારા પંચાયત ધારાની સમજ તથા અસરકારક ગ્રામ પંચાયત વિકાસનું આયોજન કઇ રીતે બનાવવું તે વિગતે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીનગર જિલ્લાની અડાલજ ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા અડાલજ ગામમાં લીધેલી નવી પહેલો વિશે અને ગાંધીનગર જિલ્લાના રંગપુર ગામના સરપંચ દ્વારા તેઓના ગ્રામ્ય કક્ષાએ આગામી આયોજન વિષય પર પ્રેઝન્ટેશન સહિત વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ડેપ્યુટી પ્રોજેક્ટ મેનેજર ભરતભાઇ ભોગાયતા દ્વારા પ્રાકૃતિક કૃષિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી તેમજ જિલ્લા ક્ષય અધિકારી દિપક પટેલ દ્વારા આરોગ્યને લગત પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વ રીટાબેન પટેલ, જે.એસ પટેલ, લક્ષ્મણજી ઠાકોર, અગ્રણી અનિલભાઈ પટેલ, વિકાસ કમિશનર હિતેશ કોયા, કલેક્ટર મેહુલ દવે તથા સર્વે તાલુકા પંચાયતના પ્રમુખઓ, સદસ્યો અને વિવિધ સમિતિના ચેરમેનઓ, બહોળી સંખ્યામાં સરપંચઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
