હિન્દ ન્યુઝ, સુરત
પ્રથમ માળ સુધી ભારે વાહનો લઈ જઈ શકાય તેવા ટુ વે રેમ્પવાળી અદ્યતન બિલ્ડીંગમાં અત્યાધુનિક સુવિધાઓ
રાજ્ય સરકાર દ્વારા કુદરતી આપત્તિઓમાં થતું નુકસાન અટકાવવા એઆઈ આધારિત સિસ્ટમ વિકસાવી રહી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી :
* ડિજીટલ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ખેતીમાં ઉત્પાદન, સસ્ટેનેબિલિટી અને બજારની ઉપલબ્ધતા વધારવા માટે સરકાર પ્રયત્નશીલ
* વર્ષ ૧૯૫૧ માં માત્ર ૧૫ હજાર રૂપિયાની આવક સાથે શરૂ થયેલી સુરત એપીએમસી આજે સહકારિતાના વટવૃક્ષમાં પરિવર્તિત થઈ
* રાજ્ય સરકાર ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્ર સાથે કૃષિમાં વેલ્યુ એડિશનને પ્રોત્સાહન આપી રહી છે
*માર્કેડયાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ તથા શ્રમિકો માટે વિનામૂલ્યે પ્રાથમિક સારવાર કેન્દ્ર, બિયારણ વિતરણ કેન્દ્રનું લોકાર્પણ
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-સુરત દ્વારા નવનિર્મિત, રાજ્યના સૌથી મોટા અને સૌપ્રથમ એલિવેટેડ માર્કેટયાર્ડ એટલે કે પ્રથમ માળે ભારે વાહનો અવરજવર કરી શકે તેવી અદ્યતન માર્કેટયાર્ડનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથોસાથ સુરત એપીએમસી માર્કેટના આધુનિકીકરણ અને વિસ્તૃતિકરણના ભાગરૂપે નિર્માણ પામેલી આ અત્યાધુનિક એલિવેટેડ માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ તથા શ્રમિકો માટે વિનામૂલ્યે પ્રાથમિક સારવાર કેન્દ્ર, બિયારણ વિતરણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
એપીએમસી સરદાર માર્કેટ, ડુંભાલ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે. વડાપ્રધાનના વડપણ હેઠળ ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્ર સાથે દેશમાં અલાયદા સહકાર મંત્રાલયની રચના કરીને સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવામાં આવ્યું છે, જેનાથી ખેડૂતો અને પશુપાલકોની આવક તેમજ જીવનસ્તર સુધારવા માટે મહત્વપૂર્ણ કામગીરીને વધુ વ્યાપક અને ગુણવત્તાસભર બનાવી શકાય.
આ પ્રસંગે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ધારાસભ્ય સર્વ કુંવરજીભાઈ હળપતિ, ગણપતસિંહ વસાવા, મોહનભાઈ ઢોડીયા, ઈશ્વરભાઈ પરમાર, વિનોદભાઈ મોરડીયા, અરવિંદભાઈ રાણા, કાંતિભાઈ બલર, મનુભાઈ પટેલ, એપીએમસીના વાઈસ ચેરમેન હર્ષદ પટેલ, સુરત સહકારી સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ, સહકારી અગ્રણી રમણભાઈ જાની, APMC ડિરેક્ટરો, જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ, અગ્રણીઓ, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
