માણસા ખાતે સાંસદ નરહરિભાઈ અમીનના નેતૃત્વમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

     અખંડ ભારતના ઘડવૈયા સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી અંતર્ગત માણસા ખાતે સાંસદ નરહરિભાઈ અમીનના નેતૃત્વમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી. માણસાથી શરૂ થયેલ ૮ કિલોમીટરની પદયાત્રા આજોલ ખાતે સમાપન થઈ હતી. આ પદયાત્રાનું વિવિધ સંસ્થાઓ, સમાજ અને બાળકો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું સાથે જ દરેક ગામમાં સરદાર પટેલના જીવન આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સમગ્ર પદયાત્રા દરમિયાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ મૂર્તિ સાથેનું ફલોટ અને સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

   આ પદયાત્રાના શુભારંભ કાર્યક્રમમાં માણસા ખાતે શ્રી સરદાર પટેલની પ્રતિમાને મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ તથા સુતરની માળા અર્પણ કરવામાં આવી હતી અને પદયાત્રાનું ફ્લેગ ઓફ કરાયું હતું. આ તકે સાંસદશ્રીએ કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલના “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સ્વપ્નને પરિપૂર્ણ કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં આપણાં દેશને વિકસિત ભારત બનાવવાની નેમ લીધી છે. આ વિકસિત રાષ્ટ્રનો માર્ગ આત્મનિર્ભર ભારત થકી આગળ વધે છે તેમ જણાવી તેમણે કહ્યું હતું કે, આપણે હવે ગુલામીની માનસિકતા ત્યજવી પડશે. જનતા સંપૂર્ણ સ્વદેશી વસ્તુઓ અપનાવશે તો જ આપણે આત્મનિર્ભર બનીશું અને આ આત્મનિર્ભરતા સાથે જ ભારત વિકસિત રાષ્ટ્ર બની શકશે. આમ કહી તેમણે લોકોને રોજિંદા જીવનમાં સ્વદેશી ચીજ-વસ્તુઓ અપનાવવા અનુરોધ કર્યો હતો.

     આ પદયાત્રામાં કુમારિકાઓ દ્વારા ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું તેમજ ડી.જે પર દેશભક્તિના ગીતો અને ઢોલ નગારાના તાલથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. આ યાત્રા દરમિયાન વિવિધ શાળાના બાળકોએ સરદાર પટેલ, ભગતસિંહ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ગાંધીજી, મંગલ પાંડે જેવા સ્વાતંત્ર્યવીરોની વેશભૂષા અને તિરંગાને સ્વમાનભેર હાથમાં રાખી લોકોને હૃદયમાં દેશભક્તિ અવિરત રાખવાનો સંદેશ પણ આપ્યો હતો.

    આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન વાઘેલા, અગ્રણી અનિલભાઈ પટેલ, APMC માણસાના ચેરમેન માધવલાલ પટેલ તથા રૂટમાં આવતા દરેક ગામોના સરપંચઓ, ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ સહિત તાલુકા પંચાયતના સભ્યો તથા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા‌.

Related posts

Leave a Comment