સેવાનિવૃત થયા વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના સબ રજીસ્ટ્રાર જીતેન્દ્રસિંહવાળા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

    સરકાર દ્વારા નાગરિકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. આ યોજનાનો લાભ લેવો હોય, જમીન નામે કરવી હોય કે પછી પાસપોર્ટ કઢાવવાનો હોય આ તમામે તમામ કામગીરીમાં એક યા બીજી રીતે જન્મ-મરણના દાખલાની આવશ્યકતા પડે છે. 

રાજ્ય સરકાર દ્વારા જન્મ-મરણ નોંધણીની ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નગરપાલિકા વિસ્તારમાં જન્મ-મરણની નોંધણી માટે જન્મ-મરણ નોંધણી રજીસ્ટ્રારની કચેરી કાર્ય કરે છે. વેરાવળમાં રાજેન્દ્રભુવન રોડ ખાતે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા કાર્યરત છે. જેમાં સબ રજીસ્ટ્રાર તરીકે કામગીરી કરતા જીતેન્દ્રસિંહ.કે.વાળા નિવૃત થયાં છે. જેમને જન્મ-મરણ નોંધણી બાબતે શ્રેષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રી દ્વારા પત્ર લખી અને શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી.

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકામાં સબ રજિસ્ટ્રાર તરીકે કાર્ય કરતા જીતેન્દ્રસિંહના નેતૃત્વ હેઠળ ફક્ત પાંચ જ મહિનામાં ૧૯,૦૦૦ જેટલા સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવ્યાં હતાં. આટલું જ નહીં કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના સ્નેહીજનોને સરકારી સહાય મળી રહે તે માટે એકના એક પુત્રના લગ્ન છોડીને ફરજને મહત્વ આપી કામગીરી કરેલી છે.

ઉત્તમ કામગીરી બદલ જીતેન્દ્રસિંહને જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યાં છે. તેમની આગેવાનીમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી પેન્ડીંગ રહેતી ૯ હજાર અરજીઓનો બેકલોગ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યો છે અને હાલ પેન્ડન્સી શૂન્ય છે. 

આ અંગે જીતેન્દ્રભાઇ વાળાએ જણાવ્યું હતું કે, કચેરી ખાતે આવતા અરજદારોને તાત્કાલીક જન્મ-મરણનો દાખલો મળી જાય તે માટેની સુનિયોજીત ઢબે સમગ્ર ટીમ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવે છે. જન્મ-મરણ શાખાના અમારા તમામ કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ કાર્યનિષ્ઠાથી કામ કરીને આ બેકલોગ સંપૂર્ણપણે શૂન્ય કરી દેવામાં આવ્યો છે.

હાલ જન્મ-મરણના દાખલા માટે રોજની આશરે ૧૫૦થી વધુ અરજીઓ આવે છે. જેમાંથી ૧૦૦થી વધુ અરજીઓનો એક જ દિવસમાં નિકાલ કરી દેવામાં આવે છે. એમ એમણે ઉમેર્યું હતું.

૦૧-૦૧-૦૧૯૯૫થી નગરપાલિકા કચેરીમાં ક્લાર્ક તરીકે જોડાયા બાદ જીતેન્દ્રસિંહવાળા વર્ષ ૨૦૧૮માં સબરજિસ્ટ્રાર તરીકે કાર્યરત થયાં હતાં અને હવે સેવાનિવૃત થયાં છે. તેમની ઉમદા અને પ્રેરણાત્મક કામગીરી પ્રશંસનિય રહી છે. ઉત્તમ કાર્યકાળ પછી સેવાનિવૃત્તિ બદલ સાથી કર્મચારીઓ અને જનપ્રતિનિધિશ્રીઓ તરફથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. 

Related posts

Leave a Comment