હિન્દ ન્યુઝ, બોટાદ
નાના બાળકોના હાથમાં પેન્સિલ પકડાવતાં, અક્ષરમાળા શીખવતાં અને ગણિતનો પાયો નાખી બાળકોનું ઘડતર કરતા આપણાં શિક્ષકો.. જેઓ દ્રઢપણે માને છે કે, “બાળકોનો પાયો મજબૂત હશે તો જ ભાવિ મજબૂત થઈ શકશે”
આવા જ એક શિક્ષક છે ગઢડા (સ્વા.)ની શ્રી ભંડારીયા પ્રાથમિક શાળામાં કાર્યરત શ્રી અશોક કુમાર પરમાર.. જેમને તાજેતરમાં શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત ગઢડા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
ભંડારીયા પ્રાથમિક શાળામાં છેલ્લા ૨૩ વર્ષથી શિક્ષક તરીકે સેવા આપતા અશોક કુમાર કેશુભાઈ પરમાર શિક્ષણને માત્ર એક નોકરી નહીં, પરંતુ પવિત્ર ફરજ માનતા આવ્યા છે. શિક્ષક તરીકે તેમણે અનેક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને શાળા, ગામ તેમજ વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
તેમણે પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, “હું ભંડારીયા પ્રાથમિક શાળામાં છેલ્લા ૨૩ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છું. મારા માટે શિક્ષક બનવું એ માત્ર નોકરી નથી, પરંતુ પવિત્ર ફરજ છે, જેને હું પૂરી નિષ્ઠા અને સમર્પણ સાથે નિભાવતો આવ્યો છું. શરૂઆતથી જ ધોરણ એક અને બેનાં બાળકોને અભ્યાસ કરાવું છું જેથી તેમના પાયાનું ભણતર મજબૂત બને. મને ગર્વ છે કે અમારી શાળામાં વાંચન, લેખન અને ગણનમાં છેલ્લાં ઘણાં વર્ષોથી સો ટકા સિદ્ધિ પ્રાપ્ત થઈ રહી છે. વર્ષ ૨૦૧૦થી અમારી શાળાને ગુણોત્સવમાં સતત A ગ્રેડ મળ્યો છે અને મને પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માન પણ મળ્યું છે.” આ તકે શ્રી ભંડારીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ પણ શિક્ષકશ્રી અશોક કુમારને શુભેચ્છાઓ પાઠવી તેમની કામગીરી બિરદાવી હતી.
શિક્ષક અશોક કુમારને પ્રજ્ઞા કાર્યમાં તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને તાજેતરમાં તેમને તેમના ક્લસ્ટરમાં મેન્ટર ટીચર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ જવાબદારી હેઠળ તેઓ વિવિધ શાળાઓની મુલાકાત લઈને શિક્ષકોને માર્ગદર્શન આપે છે. ભંડારીયા પ્રાથમિક શાળામાં હાલ ૪૫૦થી વધુ વૃક્ષો અને છોડ છે. જેના થકી પર્યાવરણ પ્રત્યે બાળકોમાં મૂલ્યો વિકસે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભંડારીયા ગામના પૂર્વ વિદ્યાર્થીઓ હાલ સરકારના વિવિધ વિભાગોમાં સેવા આપી રહ્યા છે.
શાળામાં બાલસભા, કવાયત, બાળમેળો, પ્રાર્થના સભા, સાંસ્કૃતિક કાર્યક્રમો, બાગાયત, મધ્યાહન ભોજન તથા વાલી સંપર્ક જેવી તમામ પ્રવૃત્તિઓમાં કરાવવામાં આવે છે.
પ્રજ્ઞા પ્રવૃત્તિ અંગે વિસ્તારથી માહિતી મેળવીએ તો, પ્રજ્ઞા (“પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન”) એ પ્રવૃત્તિ આધારિત શિક્ષણ કાર્યક્રમ છે, જે ગુજરાતમાં ધોરણ ૧ અને ધોરણ ૨ના વિદ્યાર્થીઓ માટે અમલમાં મૂકાયો છે. પ્રજ્ઞા વર્ગખંડ એ બાળકો માટે બાળ અનુકૂળ જગ્યા છે જ્યાં તેમને આવવાનું અને શીખવાનું ગમે છે. તબક્કા અનુસાર ચાર જૂથો કરવામાં આવે છે, જેમાં 1) શિક્ષક સમર્થીત જૂથ 2) સાથી સમર્થિત (પીઅર સપોર્ટ) જૂથ 3) સ્વ-અધ્યયન જૂથ અને 4) મૂલ્યાંકન જૂથ.
આ કાર્યક્રમ રાજ્ય સરકારની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં અમલમાં મુકાયો છે. દરેક બાળકને તેની ગતિથી શીખવાની તક મળે છે, બાળકો અનુભવ દ્વારા શીખી શકે છે, બાળકોને પ્રવૃત્તિ આધારિત, તણાવમુક્ત, મનોરંજનભર્યું શિક્ષણ મળે છે, દરેક વિદ્યાર્થી માટે શીખવાની સમાન અને પૂરતી તક મળે છે, વિદ્યાર્થીઓને સ્વ-શિક્ષણ, પીઅર લર્નિંગ અને શિક્ષક સહાયક શિક્ષણ માટેની તકો, વિદ્યાર્થીઓનું સતત અને વ્યાપક તણાવ મુક્ત મૂલ્યાંકન થાય છે. પ્રજ્ઞા અભિગમના નિયંત્રણ અને દેખરેખ માટે રાજ્યના દરેક બ્લોકમાં એક બીઆરપી-પ્રજ્ઞાની નિમણૂક કરવામાં આવે છે.
બાળકનું બીજુ ઘર એટલે શાળા….નાના બાળકને પૂછવામાં આવે કે તારી શાળા કેવી હોય તો ગમશે.. તો કહેશે મારા ઘર જેવી હોય તો ગમે… બાળકોને હૂંફ, પ્રેમ અને નવું નવું શીખવા માટે સતત મનોબળ પૂરું પાડનારા શિક્ષકો થકી બાળકોનો સંર્વાંગી વિકાસ શક્ય બને છે. ગુજરાત રાજ્ય દ્વારા પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે છેલ્લા બે દાયકામાં કરવામાં આવેલા વિવિધ પ્રયાસો અને તેના સકારાત્મક પરિણામોથી શિક્ષણ ક્ષેત્રે આ આમૂલ પરિવર્તન આવ્યું છે.
