હિન્દ ન્યુઝ, બોટાદ
વિદ્યાર્થીઓ પાસે શાળાએ નહીં જવાનું તો કોઈ બહાનું જ નથી… અને બહાનું હોય પણ શા માટે? પ્રાકૃતિક વાતાવરણમાં સુંદર મજાની શાળા.. અને શાળામાં ખૂબ જ સહકાર આપતા પરિવાર જેવા શિક્ષકો… આજે વાત આવી બોટાદ જિલ્લાની આવી જ એક રમણીય શાળાની અને સકુશળ શિક્ષકની…
“વર્ગને સ્વર્ગ” બનાવવાની નેમ સાથે અને શાળાને શ્રેષ્ઠ બનાવવાનાં હેતુ સાથે તા.૨૪-૮-૨૦૧૩થી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં જલાલપુર પ્રાથમિક શાળામાં કાર્યરત શિક્ષક વિપુલસિંહ પરમાર…
વિપુલભાઈ ધોરણ આઠમાં સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરાવી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રૂચિ વધે તે માટે શિક્ષકશ્રી સતત કાર્યરત છે. શિક્ષક વિપુલસિંહ પરમાર માત્ર પાઠ્યપુસ્તક પૂરતા જ નથી રહેતા, પરંતુ બાળકોને વિષય જીવંત અનુભવો મળી રહે એ દિશામાં પ્રયત્નશીલ રહે છે. ક્યારેક નાટકીય રજૂઆતો, ક્યારેક ચિત્રો-નકશાઓ તો ક્યારેક જૂથ પ્રવૃત્તિઓ દ્વારા તેઓ શિક્ષણને રસપ્રદ બનાવે છે.
વિદ્યાર્થીઓને કઠિન લાગતા વિષયો પણ તેમની સમજાવવાની અનોખી રીતથી સરળ બની જાય છે. પરિણામે વર્ગમાં માત્ર ભણતર જ નહીં, પરંતુ બાળકોમાં આત્મવિશ્વાસ, ટીમ સ્પિરિટ અને સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે છે.
આ અંગે વધુ માહિતી આપતા શિક્ષક વિપુલસિંહ પરમારે જણાવ્યું હતું કે, “નવીન શિક્ષણ નીતિ પ્રમાણેનું તમામ શિક્ષણ કાર્ય અમારી શાળામાં કરાવવામાં આવે છે. શાળામાં સામૂહિક કવાયત, ભગવત ગીતાના પાઠ, સાથે સાથે ઇનોવેટિવ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે. ખાસ કરીને પ્લાસ્ટિકમુક્ત અભિયાન અંતર્ગત હું અમારી શાળામાં તમામ વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરું છું. ‘પ્લાસ્ટિકમુક્ત’ ભારત અભિયાન અંતર્ગત વર્લ્ડ વાઈડ બુક દ્વારા અમને પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. શાળાને આજે વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે સો ટકા સફળતા મળી છે. અહીં વિદ્યાર્થીઓને પોતાના જન્મદિવસે પક્ષીઓને ચણ નાખે છે, તેમજ વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જેથી તેઓ પ્રકૃતિના મૂલ્યને સરખી રીતે સમજી શકે છે. તમામ પ્રવૃત્તિઓમાં અમારા ગામના સરપંચ શ્રી, શાળાના આચાર્ય, વાલીગણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીbતેમજ બોટાદ જિલ્લા વહીવટી તંત્રનો પૂર્ણ સહયોગ મળે છે. મારા વિદ્યાર્થીઓ પણ હંમેશા મારી હિંમત બન્યા છે. મારી શૈક્ષણિક ક્ષેત્રે આ યાત્રા દરમિયાન મને પણ ઘણું શીખવા મળ્યું છે. જે શિક્ષક કાયમ શીખતો રહે તે જ સાચો શિક્ષક છે.” તેમ શિક્ષકએ જણાવ્યું હતું.
જલાલપુર ગામના સરપંચ પંકજભાઈ રણછોડભાઈ ગામીએ જણાવ્યું હતું કે, “શાળામાં વિપુલભાઈ પરમાર ખૂબ જ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેમની કામગીરી અંગે હંમેશા અમને ખૂબ જ ગર્વની લાગણી થાય છે.”
એસ.એમ.સી ઉપાધ્યક્ષ મધુબહેન ગોલેતરે જણાવ્યું હતું કે, “જલાલપુર પ્રાથમિક શાળામાં ખૂબ જ સુંદર કામગીરી શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે. વર્તમાન સમયમાં જ્યારે લોકો ખાનગી શાળાઓને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે. ત્યારે અમારા ગામના જાગૃત નાગરિકો સરકારી શાળામાં જ તેમના બાળકોને ભણાવવાનો આગ્રહ રાખી રહ્યા છે. શૈક્ષણિક બાબતોમાં અને તમામ પ્રવૃત્તિઓમાં અમારી શાળા ખૂબ જ અગ્રેસર છે. શાળાના આચાર્ય અને શિક્ષકો ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. બાળકોને જોઈતું પ્રોત્સાહક વાતાવરણ શાળામાં મળી રહે છે. જેનાથી બાળકો હંમેશા પ્રયત્નશીલ રહે છે.”
શાળાના આચાર્ય હિંમતભાઈ પઢારીયાએ આ તકે જણાવ્યું હતું કે, “શાળામાં તમામ શિક્ષકો ખૂબ જ ઉત્સાહથી કામ કરી રહ્યા છે. વેકેશન કે રજાના દિવસોમાં પણ શિક્ષકો વિદ્યાર્થીઓ માટે ઉપસ્થિત થઈ જાય છે. અહીં શિક્ષકો 100% સમર્પણથી જોડાયેલા છે.” શાળાના શિક્ષક વિપુલસિંહ પરમારને તેમણે આ તકે અભિનંદન પાઠવ્યા હતા.
આ અવસરે શાળાના વિદ્યાર્થીઓએ પણ રાજીપો વ્યક્ત કરતા શિક્ષકનો આભાર માન્યો હતો.
શિક્ષણએ આવનારી પેઢી માટે પાયાની જરૂરિયાત છે. શિક્ષણના દરેક તબક્કે માળખાગત સગવડો સુદ્રઢ કરવા, નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે શ્રી જલાલપુર પ્રાથમિક શાળા અને વિપુલસિંહ પરમાર જેવા શિક્ષક દેશના ભાગ્યવિધાતાઓનું નિર્માણકાર્ય ઉમદા રીતે કરી રહ્યા છે.
