ગોધરા,
ગોધરા પંચમહાલ જિલ્લામાં કોરોના પ્રભારી સચિવ રાજેશ માંજુએ જિલ્લામાં કોરોના વિષયક કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. સચિવએ ઝડપી કોન્ટેક્ટ ટ્રેસિંગ, સામાન્ય જનતા દ્વારા જાહેર સ્થળોએ માસ્કનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સિંગ, ફેસિલીટી મેનેજમેન્ટ અને વિસ્તરણ, પ્રોએક્ટિવ સર્વેલન્સ પર ખાસ ભાર મૂક્યો હતો. જ્યાંથી વધુ સંખ્યામાં કેસો મળી રહ્યા છે તેવા ગોધરા, હાલોલ અને કાલોલના શહેરી વિસ્તારોમાં થઈ રહેલી કામગીરી અને સ્થિતિ અંગે માહિતી મેળવતા પોઝિટીવ કેસોના કારણે સંક્રમિત થયેલા દર્દીઓને વહેલી તકે શોધી કાઢી સંક્રમણની ઝડપ ઘટાડવાની વ્યૂહરચના પર તેમણે ભાર મૂક્યો હતો. કોન્ટેક્ટ ટ્રેસિંગ અને હોમ ક્વોરેન્ટાઈનની ડેટા એન્ટ્રી સહિતની કામગીરીની અચૂકપણે શક્ય તેટલી વહેલી પૂર્ણ કરવા અંગે સૂચના આપી હતી.
જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ સચિવને જિલ્લામાં કરાઈ રહેલ આરટીપીસીઆર-એન્ટિજન ટેસ્ટ માટે સેમ્પલિંગની વ્યૂહરચના, કરાયેલ ટેસ્ટ પૈકી પોઝિટીવ આવવાની ટકાવારી, હોસ્પિટલમાં બેડ ઓક્યુપન્સી, કોવિડ વોર્ડ એક્સપાન્સન, ડેથ એનાલિસીસ, કોન્ટેક્ટ ટ્રેસિંગની ટકાવારી, ઓપીડીમાંથી ડિટેક્ટ કરાઈ રહેલ પોઝિટીવ કેસો, ધન્વન્તરી રથોની કામગીરી- ઉકાળા વિતરણ, ઓક્સિજનના વપરાશ અને પુરવઠા સહિતની વિગતો અંગે માહિતી આપી હતી. માર્ગદર્શન આપતા માંજુએ જણાવ્યું હતું કે કેસો મળી આવ્યા છે તેવા કેન્દ્રોમાં સંક્રમણનો વ્યાપ નક્કી કરી એન્ટિજન કીટની મદદથી ત્વરિત ટેસ્ટિંગ હાથ ધરવું જોઈએ, જેથી સંક્રમિત લોકોને અલગ પાડીને સંક્રમણની ઝડપ ઘટાડી શકાય. ફેસિલીટી મેનેજમેન્ટ પર વિશેષ ભાર મૂકતા નવા આવતા કેસોની સંખ્યા પ્રમાણે પૂરતા પ્રમાણમાં બેડ ઉપલબ્ધ રહે તે માટે હોમ આઈસોલેશન, કોવિડ હેલ્થ અને કોવિડ કેરમાં એડમિટ કરવા અંગે સઘન આયોજન અને જરૂર પડ્યે બેડની ક્ષમતાનું જરૂરિયાત અનુસાર વિસ્તરણ કરવા, નર્સીસ અને ડોક્ટર્સ સહિતનો સ્ટાફ મેળવવા, નર્સિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ સહિત આરોગ્યના સ્ટાફને કોવિડ સહાયકની ટ્રેનિંગ આપવા અંગે સૂચના આપી હતી.
આ ઉપરાંત, કન્ટેઈન્મેન્ટ સહિતના વિસ્તારોમાં લોકો માસ્ક પહેરવા બાબતે ગંભીર અને જાગરૂક બને તે સંક્રમણ રોકવામાં અસરકારક નીવડે તેમ હોવાથી પોલિસની મદદ લઈ ચુસ્ત અમલીકરણ કરવા અંગે નિર્દેશ કર્યો હતો. જિલ્લામાં આરોગ્ય સેતુ એપનો ઉપયોગ વધારવાની દિશામાં પ્રયાસો કરવા તેમણે સૂચના આપી હતી.
બેઠક બાદ પ્રભારી સચિવએ ગોધરા નર્સિંગ સ્કૂલ ખાતે શરૂ કરાયેલ ૧૫૦ બેડની ક્ષમતા ધરાવતા નવીન કોરોના વોર્ડની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. પ્રભારી સચિવએ જિલ્લા કલેક્લેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સાથે હાલોલના તાજપુરા ખાતે આવેલ કોવિડ હોસ્પિટલના કરાઈ રહેલ વિસ્તરણની કામગીરીનું અવલોકન કર્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ, નિવાસી અધિક કલેક્ટર એલ.બી. બાંભણિયા, પ્રાંત અધિકારીઓ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, જિલ્લા મુખ્ય તબીબી અધિકારી સહિતના કોરોના વિષયક કામગીરીમાં સામેલ અધિકારીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.
રિપોર્ટર : વસીમ જમસા, ગોધરા