હિન્દ ન્યુઝ, જામનગર
. રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં આવેલ જી.ડી.શાહ હાઇસ્કુલ ખાતે “શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ વર્ષ- 2025” યોજવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જામનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે જામનગરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બે શિક્ષકો જેમાં ધ્રોલ તાલુકાની શ્રી જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયના અલ્પાબેન પટેલ તથા જોડિયા તાલુકાની નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક રમેશચંદ્ર ધમસાણિયાને જિલ્લા કક્ષાનો પુરસ્કાર તથા 15 જેટલા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જ્ઞાન સેતુ, જ્ઞાન સાધનામાં મેરીટમાં આવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

મંત્રીએ સૌને શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આજના દિવસે આપણે સૌ ભારતના મહાન શિક્ષણશાસ્ત્રી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરીએ. તેમના જન્મદિવસને આપણે ‘શિક્ષક દિન’ તરીકે ઉજવીએ છીએ, જે આપણા જીવનમાં શિક્ષકોના યોગદાનનું સન્માન કરવાનો એક સુંદર અવસર પ્રદાન કરે છે.
શિક્ષક એટલે ફક્ત પુસ્તકિયું જ્ઞાન આપનાર વ્યક્તિ નહીં, પરંતુ તે આપણા જીવનને સાચી દિશા ચીંધનાર અને આપણા ભવિષ્યને ઘડનાર શિલ્પકાર છે. માતા-પિતા આપણને જન્મ આપે છે, જ્યારે શિક્ષક આપણને જીવન જીવતાં શીખવે છે. તેઓ આપણામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવે છે અને આપણને એક સારા નાગરિક બનાવે છે. આજના આ અવસરે હું મારા જીવનમાં મળેલા તમામ શિક્ષકોનો આભાર માનું છું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂકે છે. તેમના નેતૃત્વ હેઠળ, ભારતના શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) એ તેનું સૌથી મોટું ઉદાહરણ છે.
