જાહેર હિસાબ સમિતિના સભ્યો સોમનાથ મહાદેવના દર્શનાર્થે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવાં દેવાધિદેવ સોમનાથ મહાદેવ સમક્ષ જાહેર હિસાબ સમિતિના સભ્યોએ શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી.

સોમનાથના પંડિતો દ્વારા જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિત તમામ સભ્યોનું ટ્રસ્ટ દ્વારા ઓમ નમઃ શિવાય લખેલા ઉપવસ્ત્ર અને પ્રસાદી દ્વારા સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતું.

જાહેર હિસાબ સમિતિના સભ્યોએ ગંગાજળનો જળાભિષેક કરી ભગવાન સોમનાથનું પૂજન-અર્ચન કર્યું હતું.

જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને સભ્યોએ મંદિર પરિસરમાં આવેલ હમીરજી ગોહિલની ખાંભીએ નમન કરી તેમની શહાદતનું સ્મરણ કર્યું હતું. તેમજ ગણપતિ અને હનુમાનજી મહારાજના પણ દર્શન કર્યા હતાં.

આ તકે અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, જાહેર વહીવટમાં નાણાકીય શિસ્ત જળવાય એ માટે જાહેર હિસાબ સમિતિ કટિબદ્ધ છે.

ગુજરાતની જાહેર હિસાબ સમિતિ સમગ્ર દેશમાં છેલ્લા બે વર્ષમાં વધુ કાર્ય કરનારી સમિતિ બની છે. જાહેર હિસાબ સમિતિ સમક્ષ રજૂ થયેલા ૫ હજારથી વધુ પારાઓનો વિશદ અભ્યાસ કરી તેનો નિકાલ થાય તે દિશામાં કાર્ય કર્યું છે.

જાહેર હિસાબ સમિતિ દ્વારા નાણાકીય શિસ્ત જળવાય એવી તકેદારી રાખવામાં આવતી હોય છે, ત્યારે આવનારા સમયમાં રાજ્યમાં વિકાસલક્ષી કાર્યો થકી વધુ પ્રગતિ થાય એવી ભાવના અધ્યક્ષએ વ્યક્ત કરી હતી.

જાહેર હિસાબ સમિતિ સમગ્ર રાજ્યભરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોના અવલોકન દ્વારા રાજ્ય વધુ પ્રગતિથી આગળ વધે તે માટે સમિતિના નેજા હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે. દેશના સૌ લોકો વચ્ચે એકતા અને સદભાવના જળવાય રહે એવી પ્રાર્થના સાથે જાહેર હિસાબ સમિતિએ સોમનાથ મહાદેવ સમક્ષ હ્રદયપૂર્વક દર્શન કર્યાં છે.

જાહેર હિસાબ સમિતિના સભ્યોની સોમનાથ મુલાકાત દરમિયાન જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહિર, જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાય, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, અગ્રણી સર્વ ડૉ. સંજયભાઈ પરમાર, માનસિંહભાઈ પરમાર સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment