હિન્દ ન્યુઝ, જામનગર
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. મંત્રીએ નાગરિકોને ખાતરી આપી હતી કે તેમની રજૂઆતો પર સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મંત્રીએ પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તથા વન વિભાગના અધિકારીઓ સાથે પણ જરૂરી ચર્ચા કરી લોકોની રજુઆતોનો સકારાત્મક દિશામાં ઉકેલ લાવવા જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ જનતા સાથે સીધો સંવાદ સેતુ સ્થાપિત કરવા માટે દર અઠવાડિયે શહેરના લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે આ પ્રકારના લોકસંપર્ક કાર્યક્રમોનું આયોજન કરે છે. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહીને પોતાના પ્રશ્નો અને રજૂઆતો અંગે મંત્રી સાથે રૂબરૂ ચર્ચા કરે છે.
મંત્રી પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્નો સાંભળીને તેમના નિવારણ માટે સક્રિય પ્રયાસો કરે છે. તેઓ સ્થળ પર જ સંબંધિત વિભાગો અને અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપે છે અથવા તો લેખિત કાર્યવાહી કરીને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટેનું માધ્યમ બને છે. મંત્રીશ્રીની આ પહેલથી નાગરિકોને તેમની સમસ્યાઓ સીધી સરકાર સમક્ષ રજૂ કરવાની અને તેના નિરાકરણની તક મળે છે.
