હિન્દ ન્યુઝ, વડોદરા
વડોદરા જિલ્લાના પાદરા ખાતે બનેલી દુર્ઘટનામાં મહી નદીમાં ફસાયેલી ટ્રકને બહાર કાઢવા માટે વધુ એક crain મંગાવવામાં આવી છે.
આ કામગીરી મોડે સુધી ચાલવાની શક્યતાને ધ્યાનમાં રાખી ફ્લડ લાઈટ અને જનરેટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
મૃતદેહોના પોસ્ટમોર્ટમનું તબીબી કરી ત્વરાથી થાય અને તેમના સ્વજનોને સોંપણી થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી છે. પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હતભાગી ના પરિવારો માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
કલેકટર ડો. અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હીરપરા, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદે પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત કરી હતી.

વડોદરા જિલ્લાના પાદરા ખાતે બનેલી દુર્ઘટનામાં મહી નદીમાં પડેલા ટ્રકને બહાર કાઢવા માટે બે હિટાચી મશીનની મદદ લેવામાં આવી રહી છે. આ ટ્રકમાં ટાઇલ્સ ભરી હોવાની જાણવામાં આવે છે. ત્યાં સુધી પહોંચવા માટે મશીન દ્વારા કીચડમાં માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કલેકટર અને અન્ય અધિકારીઓએ ત્યાં જઈને સ્થિતિનો તાગ મેળવ્યો છે.

મુજપૂર ખાતે બનેલી દુર્ઘટનામાં બચાવની કામગીરીમાં જોડાયેલા લોકોની જરૂરિયાત પારખીને પાદરાના એક સંગઠનના ૧૦૦ વધુ યુવાનો ૧૨૦૦ થી વધુ ફૂડ પેકેટ લઈ ઘટના સ્થળે પહોંચી ગયાં અને બચાવ કર્મીઓની ક્ષુધા તૃપ્ત કરી હતી.

મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના અપડેટ..
ઘટનામાં વ્યક્તિના મૃત્યુદરનો આંકડો 11 એ પહોંચ્યો.

પાદરા તાલુકાના યુવાનોએ પ્રસરાવી માનવતાની મહેક
મુખ્યમંત્રીએ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને ફોન કર્યો અને ચાર હજારથી વધુ યુવાનો બચાવ કામગીરીમાં જોડાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બચાવ કામગીરીનું સતત નિરીક્ષણ અને માર્ગદર્શન

વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાનિ અંગે પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો…
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી સહાયની જાહેરાત કરી…
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે.
પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયા અને ઘાયલોને પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

પાદરા ખાતે બનેલી ઘટનામાં હાઇડ્રોલિક ક્રેઇનની મદદથી ફસાયેલા ટ્રકને બહાર કાઢવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

પાદરા પાસે મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં યુધ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી
આજરોજ અંદાજિત સવારના 7 થી 7-30ના આસપાસ આ દુર્ઘટના બનવા પામી હતી. આ દુર્ઘટનામાં સ્થાનિકોના કહેવા મુજબ ત્રણ ટ્રક, બે ઇકો , એક રીક્ષા, એક પીકઅપ અને બે બાઇક પુલ તુટી જવાથી નદીમાં ગરકાવ થયા છે. આ ઘટનામાં 9 લોકો ઘાયલ તથા જેઓને પાદરા સી.એચ.સી. તથા વડોદરા એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે. કમનસીબે 11 વ્યક્તિના મૃત્યુ થયા છે. જે વાતની પુષ્ટિ કલેકટર અનિલ ધામેલિયા એ કરી છે.
આ ઘટના બાદ રાહત બચાવ માટે 20 થી વધુ ફાયરના જવાનો, એક એન.ડી.આર.એફની ટીમ, એક એસ.ડી.આર.એફ.ની ટીમ, ફાયરની બે બોટ, ત્રણ ફાયરટેન્ડર, દસથી વધુ એમ્બ્યુલન્સ તેમજ પાંચથી વધુ મેડીકલ ટીમ સ્થળ પર કામગીરી બજાવી રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિક લોકો પણ જોડાયા છે.
જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પ્રાંત અધિકારી ઘટનાસ્થળે પહોંચી રાહત બચાવની કામગીરી અંગે જરૂરી સુચનો અને માર્ગદર્શન આપી રહ્યા છે.



