હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલ ૩૭ જેટલા નવનિયુક્ત ધોરણ ૧૧ અને ૧૨ ઉચ્ચ માધ્યમિક શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
શ્રીમતી મણિબહેન કોટક હાઈસ્કૂલ, વેરાવળ ખાતે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીયકૃત ભરતીમાં પસંદગી પામેલા સોમનાથ જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના ફાળવણી કરેલા ૩૭ શિક્ષણ સહાયકોને જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચાના હસ્તે નિમણૂક હુકમો એનાયત કરાયા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી.બોરિચાએ નવનિયુક્ત શિક્ષકોને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, શિક્ષણ એ સતત શીખતા રહેવાની પ્રક્રિયા છે. શિક્ષણ થકી જ બાળકોના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવી શકાય છે. બાળકોના જીવનમાં જ્ઞાન સાથે કેળવણીનો પ્રકાશ ફેલાવી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને એ દિશામાં શક્ય તમામ પ્રયત્નો કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
