રાજકોટ,
તા.૧૧.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની નજીક આવેલા કુવાડવા ગામે રહેતો અને પટનામાં B.H.M.S માં અભ્યાસ કરતા જયવિર ધર્મેશભાઈ સોલંકી નામના ૨૦ વર્ષના દરજી યુવાને ઝેરી દવા પી લીધી હતી. તેને ઝેરી અસર થતાં બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. આ અંગે પરિવારની પ્રાથમિક પૂછતાછમાં મૃતક યુવાન માતા-પિતાનો એકનો એક પૂત્ર અને ત્રણ બહેનોનો એકલો ભાઈ હોવાનું અને મૃતક યુવાન પટનામાં B.H.M.S ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. પાંચેક માસ પૂર્વે પરિક્ષા આપી કુવાડવા માતા-પિતા પાસે આવ્યો હતો. સાતમ-આઠમના તહેવારમાં ફરવા જવા બાબતે પિતા ધર્મેશભાઈ સોલંકીએ કોરોનાની મહામારીના કારણે ના પાડતા જયવીર સોલંકીને લાગી આવતા ઝેર પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ