હિન્દ ન્યુઝ, પંચમહાલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પંચમહાલ જિલ્લાના તાજપુરા ખાતે શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને પંચમહાલ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, મધ્યપ્રદેશના મંત્રી પ્રહલાદસિંહ પટેલ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ તેમજ અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વિરાટ નારાયણ વનમાં 5 લાખ વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મુખ્યમંત્રીએ આજના આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી, ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાના સાહસને બિરદાવતા 1000 સિંદૂરના વૃક્ષ સહિત કુલ 25 હજાર વૃક્ષોના વાવેતરનો શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ આ અવસરે માનનીય વડાપ્રધાનની પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આપણને એક એવું નેતૃત્વ મળ્યું છે જેમણે હંમેશા આગળનું વિચારીને, ભવિષ્યની મુશ્કેલીઓનું સમાધાન આજથી જ આપ્યું છે. તેમણે રાજ્યમાં ગ્રીન કવર વધારવા વન અને પર્યાવરણ વિભાગ દ્વારા થઈ રહેલ કામગીરી અંગે ગૌરવ વ્યક્ત કરવા સાથે આજના આ કાર્યક્રમના આયોજન બદલ ટ્રસ્ટ અને પંચમહાલ વન વિભાગને અભિનંદન પાઠવ્યા હતા તેમજ ટ્રસ્ટના સેવાકીય, માનવીય અને પર્યાવરણ પ્રિય અભિગમને બિરદાવ્યો હતો. મુખ્યમંત્રીએ પાણી બચાવવું, વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું, પ્રાકૃતિક ખેતી અપનાવી તેમજ સ્વચ્છતા જાળવવી સહિતના માનનીય વડાપ્રધાનના નવ સંકલ્પોને અનુસરી, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
