હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથના ખેડૂતોને જણાવવાનું કે, હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૦૪-૦૫-૨૦૨૫ થી તા.૦૯-૦૫-૨૦૨૫ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજયના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને સંદેશો આપવામાં આવે છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખૂલ્લાં હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.
એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા તેમજ એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી.
આ અંગે વધુ જાણકારી માટે ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવા ખેતીવાડી વિભાગની એક યાદીમાં જણાવાયું છે.
