જામનગરમાં તા.૨૦ એપ્રિલના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજાનાર પરીક્ષાઓને લઈને કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જામનગર

   આગામી તા.૨૦/૦૪/૨૦૨૫ ને રવિવારના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક-૨૪૦/૨૦૨૪-૨૫ ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ તથા ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકાના મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની લેખીત પરીક્ષાઓ યોજાનાર છે. જે પરીક્ષાઓ દરમ્યાન ચોરીઓના દુષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. ચોરીના દુષણથી પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસીક પરિતાપ થવાની સંભાવના છે. આથી -ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ–૧૬૩ હેઠળ પ્રતિબંધિત હુકમો ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામાં મુજબ જામનગર જિલ્લામાં લેવાનાર પરીક્ષા માટે નિયત ૧૧ પરીક્ષા કેન્દ્રોની આસપાસ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પરીક્ષા સુચારૂ રીતે લેવાય તે હેતુસર પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોએ તા.૨૦/૦૪/૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૩૦ કલાકથી બપોરે ૩:૦૦ કલાક સુધી તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં. તથા પરીક્ષા કેન્દ્રોમાં કોઈએ મોબાઈલ, ઈલેકટ્રોનિક સાધનો, કેલ્કયુલેટર, ઈલેકટ્રોનિક વોચ કે અન્ય અનધિકૃત સાહિત્ય વિગેરે સાથે પ્રવેશ કરવા પર અને પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાપાત્ર થશે.
આ પરીક્ષા ૧૧ પરીક્ષા કેન્દ્રો જેમાં શ્રી નંદન માધ્યમિક શાળા, શ્રી આર. આર. શાહ હાઈસ્કૂલ, માતૃશ્રી એ.બી. વિરાણી કન્યા વિદ્યાલય, શ્રી એલ.જી. હરીયા સ્કૂલ, શ્રી જેકુરબેન સોની કન્યા વિદ્યાલય, શ્રી પ્રણામી હાઈસ્કૂલ, શ્રી ડી.સી.સી. વિવિધલક્ષી હાઇસ્કુલ, શ્રી પી.વી. મોદી સ્કુલ, શ્રીમતી જી.એસ. મહેતા કન્યા વિદ્યાલય, ભવન્સ શ્રી એ કે દોશી વિદ્યાલય, શ્રી ડી એસ. ગોજીયા વિદ્યાલય ખાતે યોજવામાં આવશે.

Related posts

Leave a Comment