બેરાજા જગા-મેડી રોડ પર રૂ.પાંચ કરોડના ખર્ચે નિર્મિત થનાર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરતાં કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર 

    રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે બેરાજા, જગા-મેડી રોડ પર આવેલ જગેડી નદી પર અંદાજિત રૂ.પાંચ કરોડના ખર્ચે નિર્મિત થનાર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે આ વિસ્તારના અનેક ગામોની વર્ષો જૂની માંગણીને સરકારે સ્વીકારી જગેડી નદી પરના મેજર બ્રિજની રૂ.પાંચ કરોડના ખર્ચે મંજૂરી આપી છે.આ કામ પૂર્ણ થયે પસાયા, બેરાજા, જગા-મેડી, સપડા સહિતના ગામોને ચોમાસા દરમિયાન આવાગમનમાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે.આ પ્રકારના કામો મંજુર કરી ગ્રામીણ ક્ષેત્રે પ્રાથમિક સુવિધાઓ વધે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે.

વધુમાં મંત્રીએ ઉપસ્થિત સૌને વરસાદી પાણીનો સંગ્રહ કરવા તેમજ સરકારના ‘કેચ ધ રેઇન’ અભિયાનમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. સાથે જ રાજ્ય તથા કેન્દ્ર સરકાર ખેડૂતોને પૂરતી વીજળી મળે, વિવિધ કૃષિ ઉપકરણો પર યોગ્ય સબસીડી મળે, જણસના પૂરતા ભાવ મળે તેમજ ખેડૂતો આર્થિક રીતે ઉન્નત બને તે માટે સતત પ્રયત્નશીલ છે તેમ જણાવી સરકારની વિવિધ કૃષિ લક્ષી યોજનાઓની ઉપસ્થિત ખેડૂત ભાઈઓને જાણકારી આપી હતી.

જામનગર તાલુકા હેઠળના બેરાજા, જગા-મેડી રોડ પર ૧૨ મીટરના ૭ ગાળાના મેજર બ્રિજની કામગીરી માટે સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મેજર બ્રિજની મંજૂરી આપવામાં આવેલ.આ બ્રિજની કામગીરી પુર્ણ થયે આજુબાજુના ગામોને તથા ગામના વાડી વિસ્તારના લોકોને ચોમાસા દરમ્યાન પડતી મુશ્કેલીઓથી રાહત મળશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ બોરસદિયા, તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઈ દુધાગરા, મોડા, જગા, મેડી, બેરાજા, પસાયા સહિતના ગામના સરપંચઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

Related posts

Leave a Comment