સ્ત્રી એટલે સર્જનહારનું સર્વોત્તમ સર્જન

હિન્દ ન્યુઝ, રાજકોટ

    સ્ત્રી એટલે સર્જનહારનું સર્વોત્તમ સર્જન. આમ તો સ્ત્રી સ્વયં જ સર્જનહાર છે. ત્યારે આજે આપણે વાત કરવા જઈ રહ્યાં છીએ…. પ્રકૃતિ, કલા અને સર્જનાત્મકતાના સમન્વય સમાન એક નારીની.. જેણે ઘરની અગાશીમાં શાકભાજી-ફળો વાવીને કુદરત સાથે સીધું તાદાત્મ્ય સાધ્યું છે. રાજકોટનાં મંજુલાબેન ગજેરાની અગાશીમાં નાના-મોટા અનેક પ્લાન્ટ્સનો ઉછેર થાય છે. એમની અગાશીમાં આદું, હળદર કે ગળો જેવા ઔષધિય છોડ પણ જોવા મળે તો રોજીંદા ઉપયોગમાં લેવાતા શાકભાજી પણ તેમણે વાવ્યાં છે.

   મંજુલાબેન ગજેરા મહિલા દિવસની શુભેચ્છા પાઠવતાં કહે છે કે “ગૃહિણી ‘રસોઈની રાણી’ કહેવાય છે, જયારે રસોઈની રાણી જ કિચન ગાર્ડનિંગ તરફ વળે, ત્યારે ભોજનની મીઠાશ અનેરી બની જાય છે. અમે ઘરની અગાશીમાં જ ઓર્ગેનિક ફાર્મ બનાવ્યું છે, જેમાં રીંગણાં, લસણ, ડુંગળી, ટમેટાં, મૂળા, મરચાં, કોબી, ફ્લાવર અને ઔષધિય વનસ્પતિ ઉછેરી છે. બજારમાં વેચાતા શાકભાજી રાસાયણિક ખાતર અને જંતુનાશકથી ભરપૂર હોય છે. ત્યારે જો કિચન ગાર્ડનિંગ પદ્ધતિસર કરવામાં આવે તો એક પરિવાર પૂરતું શાક ઘરમાં જ ઉગાડી શકાય છે.”

“મને ઝાડ-પાન પ્રત્યે એટલી રૂચિ છે કે મેં છોડ વિષે નાનામાં નાની જાણકારી મેળવી. હું વર્ષ ૨૦૦૭થી ઓર્ગેનિક ફાર્મિંગ શીખવા માંડી હતી. ગુજરાત સરકારની રાજકોટ બાગાયત કચેરી આયોજિત કિચન ગાર્ડનિંગ સેમિનારમાં અવનવા પ્રયોગો જાણવા મળ્યા. એટલું જ નહીં, છોડની માવજત કરવા અંગે ઘણું શીખવા મળ્યું. કિચન ગાર્ડનની વ્યવસ્થિત તાલીમના લીધે મારો શોખ વિકસાવવાની પ્રેરણા મળી. હવે કિચન ગાર્ડનિંગ સેમિનારમાં ટ્રેનર તરીકે ફરજ નિભાવું છું. બાગાયત કચેરી તરફથી હંમેશાં પૂરો સહયોગ મળ્યો છે, જે સરાહનીય છે.” તેમ તેમણે ઉમેર્યું હતું.

વેસ્ટમાંથી બેસ્ટ’ના સૂત્રને સાકાર કરતા મંજુલાબેને પ્લાસ્ટિકની બોટલ, શૂઝ, ફીરકી, તૂટેલા શો-પીસ જેવી ચીજવસ્તુઓમાં બીજનું રોપણ કર્યું છે. તેમણે ઘરના આંગણે બોન્શાઇ, મિનિએચર તથા અન્ય પ્લાન્ટ ઉછેર્યા છે.

Related posts

Leave a Comment