હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લાની ધ્રોલ, કાલાવડ તથા જામજોધપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે આજે જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે જિલ્લાના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાઓ વહેલી સવારથી જ મતદાન માટે કતારબદ્ધ જોવા મળી રહ્યા છે.જ્યારે મહિલાઓ તથા વડીલોમાં પણ મતદાનને લઈ અનેરો ઉત્સાહ છે.
સમગ્ર મતદાન પ્રક્રિયાનું જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર તથા પોલીસ આધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા પણ સતત મોનીટરીંગ થઈ રહ્યું છે જ્યારે તેઓના માર્ગદર્શન હેઠળ સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી જ સંપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે મતદાનનો પ્રારંભ થયો છે.
ઉલ્લેખનીય છે કે સવારે 11:00 કલાક સુધીમાં જિલ્લાની જામજોધપુર બેઠક પર 20.53 ટકા, ધ્રોલ બેઠક પર 21.17 તેમજ કાલાવડ બેઠક પર 23.19 ટકા જ્યારે તાલુકા પંચાયતની 14-જામ વંથલી બેઠક પર 14.96 ટકા મતદાન નોંધાયું છે.