જામનગર ખાતે કલસ્ટર મેગા જોબફેર તથા એપ્રેન્ટીસ ભરતી મેળો અને દિવ્યાંગ પારિતોષિક વિતરણ સમારંભ યોજાયો

દરેક હાથને કામ એટલે કે સર્વેને રોજગારીનો સંકલ્પ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલો છે જેને સાર્થક કરવા આજરોજ જામનગર ખાતે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, જામનગર, મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, રાજકોટ, જિલ્લા રોજગાર કચેરી, દેવભૂમિ દ્વારકા તથા આઈ.ટી.આઈ જામનગરના સંયુક્ત ઉપક્રમે કલસ્ટર મેગા જોબ ફેર, એપ્રેન્ટીસ ભરતીમેળો તેમજ દિવ્યાંગ પારિતોષિક વિતરણ સમારંભ ડિસેમ્બર-૨૦૧૯ કાર્યક્રમને સાંસદશ્રી પૂનમબેન માડમના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ રોજગાર મેળા થકી યુવાનોને રોજગારીની તકો  તેમજ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે વિવિધ નોકરીદાતાઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવશે.

આ તકે મહાનુભાવોના હસ્તે રાજકોટ જિલ્લાના ૧ નોકરીદાતા અને ૭ દિવ્યાંગ કર્મચારી ઉમેદવારોને પારિતોષિક એનાયત કરવામા આવ્યા હતા. યુવાધનની લાગણીઓને સમયસર વાચા મળે તે પ્રકારની સરકારશ્રીની પ્રયત્નશીલતા-સંકલ્પને પ્રદર્શિત કરતા સાંસદશ્રી પૂનમબેન માડમએ ગુજરાતના યુવાનોને કૌશલ્ય વિકાસ અને તેના વ્યવસાયકારો, મૂડીરોકાણકારોને કૌશલ્ય-તાલીમ પામેલ યુવાનોને રોજગારીની તકો આપવા બદલ અભિનંદન આપ્યા હતા. દરેક જિલ્લા ક્ષેત્રે તેના સ્થાનિક વ્યવસાયો પણ આગળ વધે, પોતાના યુનિટો ચલાવી સ્થાનિક તાલીમ પામેલા યુવાનોને રોજગાર આપે તેવી મહેચ્છા સાંસદશ્રી માડમએ દર્શાવી હતી.

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ભારત દેશમાં સૌથી વધારે જોબ આપનાર રાજ્ય હોય તો તે ગુજરાત રાજય છે તેમ જણાવી સાંસદશ્રી પૂનમબેન માડમે ઉમેર્યું કે, યુવાનોને સ્વરોજગાર અને સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવાના અવસર પર સ્થાનિક ઉદ્યોગો દ્વારા વધુને વધુ સ્થાનિક લોકોને રોજગારી મળે અને ઉદ્યોગોને પણ બુસ્ટ મળે તેવા પગલાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સતત લેવામાં આવી રહ્યા છે.

આ કાર્યક્રમમાં જામનગરના મેયરશ્રી હસમુખભાઈ જેઠવા, ધારાસભ્યશ્રી રાઘવજીભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઈ હિંડોચા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદ્રેશ પટેલ, રોજગાર કચેરીના અધિકારીશ્રીઓ તથા જામનગરના ઉદ્યોગકારો અને બહોળી સંખ્યામાં રોજગાર વાંચ્છુઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment