હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
મુખ્યમંત્રી દ્વારા નાગરિકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ‘સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં તા.૨૩ જાન્યુઆરી ૨૦૨પ એટલે કે ચોથા ગુરુવારે સવારે ૧૧ કલાકે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે યોજાશે.
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને સંબંધિત ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહી અરજદારોના પ્રશ્નો સાંભળશે. જિલ્લાકક્ષાએ નિકાલ કરવાપાત્ર હોય તેવા પડતર પ્રશ્નો કલેક્ટર કચેરી, ગીર સોમનાથ જિલ્લો, વેરાવળ-તાલાલા રોડ, ઈણાજ વેરાવળ ખાતે સીધા પણ રજૂ કરી શકશે.
નાગરિકોએ જિલ્લા સ્વાગતમાં ઓનલાઇન અરજી અંગ્રેજી માસની તા.૧ થી તા.૧૦ તારીખ સુધીમાં કરવી. નાગરિકોએ પ્રશ્નો, રજૂઆતો, ફરિયાદો સાથે જરુરી વિગતો અને પુરાવાઓ સાથે રજૂ કરવા. તાલુકા કક્ષાએ જે અરજીઓનો નિકાલ ન થયો હોય તેવી અરજીઓનો જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં સમાવેશ થશે. એક જ સમયે અનેક વિષયોને લગતી રજૂઆત કરવી નહિ.
(૧) અસ્પષ્ટ રજુઆતવાળી અરજી (૨) એક કરતા વધુ વિભાગ/કચેરી સાથે સબંધિત અરજી (૩) સુવાચ્ય ન હોય તેવી અરજી (૪) નામ-સરનામા, સહી, મોબાઈલ નંબર વગરની અરજી (૫) વ્યકિતગત આક્ષેપોવાળી અરજી (૬) નીતિ વિષયક બાબત સાથે સંકળાયેલ પ્રશ્નો (૭) ચાલુ સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો (૮) દિવાની / મહેસુલી કોર્ટમાં ચાલતા / ચલાવવા પાત્ર કેસો, અપીલ ૧ / રિવીઝન અરજી લગત કેસો, આર્બિટ્રેશન અપીલને લગત પ્રશ્નો વાળી અરજી (૯) અરજદારને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નો (૧૦) અરજદારે સંબંધીત કચેરી / ખાતાનો એકપણ વખત સંપર્ક કર્યા વિના સીધી જ સ્વાગત કાર્યક્રમમાં રજુ કરેલ અરજી (૧૧) સમાન સ્તરના સ્વાગત કાર્યક્રમમાં પુનઃ રજુ થયેલ પ્રશ્નોને લગતી રજૂઆત કરવી નહી.