દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, બનાસકાંઠાથી બે-દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ-2024’નો રાજ્યવ્યાપી પ્રારંભ

હિન્દ ન્યુઝ,

      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, બનાસકાંઠાથી બે-દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ-2024’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીના વરદ્હસ્તે આ અવસરે કૃષિ વિભાગની વિવિધ યોજનાકીય માહિતી આપતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું, સાથે જ પ્રગતિશીલ ખેડૂતોને પુરસ્કૃત કરવા ઉપરાંત સરકારની કૃષિ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ‘લેબ ટુ લેન્ડ’ના એપ્રોચ સાથે ગુજરાતમાં શરૂ કરેલ કૃષિ મહોત્સવથી ધરતીપુત્રોને સમૃદ્ધિની નવી દિશા પ્રાપ્ત થઈ છે. તેમણે સર્વે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લઈને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અનુરોધ કર્યો હતો.

 વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં હાથ ધરાયેલ કૃષિહિતકારી આયામોનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કૃષિ મહોત્સવથી ગુજરાતમાં આવેલ કૃષિક્રાંતિ સમગ્ર દેશનું દિશાદર્શન કરનારી હોવાનું જણાવ્યું હતું. તેમણે ખેતીમાં સિંચાઇ માટે પાણી અને દિવસ દરમિયાન વીજળી પ્રદાન કરવા ઉપરાંત ખેતીમાં ડ્રોન ટેક્નોલોજીનો વ્યાપ વધારવાના સરકારના પ્રયાસો અંગે સૌને માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રીએ સૌના સહકારથી કૃષિક્ષેત્રમાં અગ્રેસર બની ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’નું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 

મુખ્યમંત્રીએ ‘રવિ કૃષિ મહોત્સવ-2024’ના ઉપક્રમે આયોજિત કૃષિ પ્રદર્શનનું ઉદઘાટન કરીને અત્યાધુનિક કૃષિ સાધન-સામગ્રીનું નિદર્શન કરતા વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈને મોડર્ન એગ્રો ટેકનોલોજી તેમજ પ્રોડક્ટ્સની જાણકારી મેળવી હતી.

Related posts

Leave a Comment