હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
આ યોજના અંતર્ગત રાજ્યની 32,277 સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાના બાલવાટિકાથી ધોરણ-8 સુધીના તમામ 41 લાખ જેટલા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ. શ્રી અન્ન (મીલેટ)નો કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.
આ હેતુસર મટીરીયલ કોસ્ટ તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની વધારાની કામગીરી માટે માનદવેતન ધારકોને 50% માનદવેતન વધારો મળીને આ યોજના માટે સમગ્રતયા વાર્ષિક ₹617 કરોડનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. તદ્અનુસાર, પી.એમ.પોષણ યોજનાના માનદવેતનધારક સંચાલકને ₹4500નું માસિક માનદ વેતન, 26 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક ₹3750 તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક રૂ.1500 માનદ વેતન આપવામાં આવશે.
માનનીય વડાપ્રધાનએ ‘વિકસિત ભારત @ 2047’ના કરેલા આહવાનમાં વિકસિત ગુજરાતના નિર્માણથી રાજ્યને અગ્રેસર રાખવા ભાવિ સ્વસ્થ-તંદુરસ્ત અને સુપોષિત પેઢી તૈયાર કરવાની નેમ સાથે ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ થકી પૌષ્ટિક અલ્પાહાર આપવાનો નિર્ણય કરનારું દેશનું અગ્રીમ રાજ્ય ગુજરાત દેશનું દિશાદર્શક બનશે.