હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય અને કલેકટર સહિત અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં ગાર્ડન ડેવલપમેન્ટ એન્ડ અધર ડેવલપમેન્ટ વર્કનો ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાયો હતો.
વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ખાતમૂહુર્તની પૂજા સંપન્ન કરાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છેકે, ગીર સોમનાથના નગરજનોને હરવા-ફરવા માટેનું મનોરમ્ય સ્થળ મળી રહે તે માટે ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે અંદાજિત રૂ.૭૬ લાખના ખર્ચે સુવિધાસભર ગાર્ડન વિકસિત કરવામાં આવશે.
આ ગાર્ડનમાં સપ્તર્ણી, લીમડો, કૉપર પૉડ, પામ ટ્રી, ગુલમહોર, કેસુડો સહિત અનેકવિધ જાતના વૃક્ષો વાવવાની સાથે વોકિંગ માટે પાથ-વેનું પણ નિર્માણ કરવામાં આવશે.
આ ગાર્ડનમાં લોકોને અવર-જવર માટે સરળતા રહે તે માટે આર.સી.સી.રોડ, એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટની સુવિધા, એમ્ફીથિએટર, મિયાવાકી ફોરેસ્ટ, ગઝિબો ઉપરાંત હાઈ મસ્ટ ટાવરનું પણ નિર્માણ થશે.
આમ, આ ગાર્ડનના નિર્માણ થકી જિલ્લા સેવા સદન પરિસરના સૌંદર્યમાં વૃદ્ધિ કરવાની સાથે આસપાસના ગ્રામજનોને ફરવાલાયક સ્થળ અને અરજદારો માટે વિસામાના મનોરમ્ય સ્થળ તરીકે ઉમેરો થશે.
આ ખાતમૂહુર્ત કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, પુરવઠા અધિકારી પારસ વાંદા, સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેર યુ.વી.રાકેશિયા, આર.કે.સામાણી સહિત જિલ્લા સેવા સદનના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.