હિન્દ ન્યુઝ, સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા,વિજયનગર અને પોશીના ખાતે સોમનાથ મહાદેવને અર્પણ કરેલ વસ્ત્રો અને પ્રસાદ રૂપે ચીક્કી અને લાડુ પ્રસાદ સાથે, વડીલ ભાઈઓને પેન્ટ અને શર્ટ પીસ, બહેનોને માતા પાર્વતીને અર્પણ કરાયેલ સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકાર વતી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી જિલ્લામાં સોમનાથના વસ્ત્ર અને મહા પ્રસાદનું વિતરણ થકી સોમનાથ દાદાના આશીર્વાદ પહોંચાડ્યા હતા.
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ ભક્તિ સાથે સેવા થકી માનવતાની અનોખી પૂજા પણ કરી રહ્યું છે.માસિક શિવરાત્રી પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક નવી પ્રથાનો પ્રારંભ કરાયેલ હતો.
પ્રત્યેક માસમાં રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વસ્ત્ર અને મહા પ્રસાદ વિતરણ કરવાનો સોમનાથ ટ્રસ્ટનો નિર્ધાર અન્ય સંસ્થાઓ માટે અનુકરણીય પહેલ બની છે. જેમાં પ્રત્યેક માસિક શિવરાત્રી પર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલ વસ્ત્ર પ્રસાદ અને સોમનાથ મહાદેવના મહાપ્રસાદ સ્વરૂપે લાડુ અને ચીકીનું વિવિધ જિલ્લાના વહીવટી તંત્રના સહયોગથી વિતરણ કરવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન જીવંત પ્રસારણ થકી ઉપસ્થિત લોકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા.
આ કાર્યક્રમમાં આ પ્રાંત અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારી, કર્મચારી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.