મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી નોંધણીની સમયમર્યાદામાં વધારો કરાયો

હિન્દ ન્યુઝ, જામનગર 

    ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી, વર્ષ ૨૦૨૪-૨૫ માં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર મારફત કરવામાં આવ્યું છે.

 રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદામાં વધારો કરવાનો સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવાયો છે. જે અન્વયે ખેડૂતો હવે ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે તા. ૧૦.૧૧.૨૦૨૪ સુધી વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ મારફત કરાવી શકશે.

ભારત સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ મગફળી માટે રૂ.૬૭૮૩ (રૂ.૧૩૫૬.૬૦ પ્રતિ મણ), મગ માટે રૂ.૮૬૮૨ (રૂ.૧૭૩૬.૪૦ પ્રતિ મણ), અડદ માટે રૂ.૭૪૦૦ (રૂ.૧૪૮૦ પ્રતિ મણ) તથા સોયાબીન માટે રૂ.૪૮૯૨ (રૂ.૯૭૮.૪૦ પ્રતિ મણ) પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરેલ છે. ભારત સરકારની પી.એમ. આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પી.એસ.એસ. હેઠળ રાજયમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે.

વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ બાદથી તા.૧૧-૧૧-૨૦૨૪ થી તા.૦૮-૦૨-૨૦૨૫ સુધી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડુતો પાસેથી પુરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment