હિન્દ ન્યુઝ, બારડોલી
અખંડ ભારતના નિર્માતા, લોહપુરુષ, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ૩૧મી ઓક્ટોબર-‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પૂર્વે સરદાર સાહેબને અંજલિ આપવા સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને વહેલી સવારે એકતા દોડ યોજાઈ હતી. ધારાસભ્ય અને મહાનુભાવોએ લીલી ઝંડી આપી એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ તેઓએ એકતા દોડમાં અન્ય દોડવીરો સાથે જોડાઈને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ગુજરાતના સપૂત સરદારને ભાવસભર વંદન કરતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું કે, સરદાર સાહેબ આજના આધુનિક અને એક ભારતના ઘડવૈયા છે. દેશને એકસૂત્રમાં બાંધવા માટે સરદાર સાહેબે છેલ્લા શ્વાસ સુધી ઝઝૂમી સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. દેશહિત માટે સરદાર સાહેબે કેટલાક કઠોર અને દૂરગામી નિર્ણયો લઈને એક ભારતનું નિર્માણ કર્યું. જો સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ આજે અલગ દેશ હોત. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ સહિત અનેકવિધ અથાગ પ્રયાસોના ફળસ્વરૂપે આજે વિશ્વ આખું સરદાર સાહેબની યશગાથાથી પરિચિત થયું છે. તેમણે સરદાર પટેલના આદર્શ જીવનમાંથી જીવન ઘડતરની પ્રેરણા લઈ જવાબદાર નાગરિક બનવા આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સંકલ્પબદ્ધ બનવા માટે રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા.
આ પ્રસંગે પ્રાંત અધિકારી જિજ્ઞા પરમાર, નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ, ચીફ ઓફિસર મિલન પલસાણા બારડોલી અને મહુવા મામલતદારો, પીઆઈ વી.એ.દેસાઈ, પીએસઆઈ મેહુલ રાઠોડ અને ડી.કે.ચૌધરી, સહિત પોલીસકર્મીઓ, નગરજનો, સમાજ અગ્રણીઓ, વિદ્યાર્થીઓ, સરદાર પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.