હિન્દ ન્યુઝ, અમરેલી
લાઠી-અમરેલી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અંદાજે રૂ.૪,૮૦૦ કરોડથી વધુના ખર્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગના ૧,૬૦૦ જેટલાં વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં ભાવનગર જિલ્લામાં રૂ.૯૬.૨૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પીવાના પાણી માટેની પસવી જૂથ ઓગમેન્ટેશન પાણી પુરવઠા યોજના ભાગ-૨ના કામોનું પણ ઈ-ખાતમુહુર્ત કરાયું હતું.
પસવી જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના ભાગ-૦ર તળે આવરી લેવામાં આવેલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના-૬૪ ગામ, ૦૩ પરા, મહુવા તાલુકાના ૩૦ ગામ,૦૨ પરા અને પાલીતાણા તાલુકાના ૦૧ મળી કુલ ૯૫ ગામ અને ૦૫ પરા ને દૈનિક ૧૦૦ લીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ મુજબ પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પસવી ખાતે ૩૩ MLDનો ફિલ્ટર પ્લાન્ટ, મુખ્ય પમ્પીંગ સ્ટેશન તથા સબ પમ્પીંગ સ્ટેશન ખાતે જુદી જુદી ક્ષમતાનાં કુલ ૦૫ ભૂગર્ભ સંપ, જુદી જુદી ક્ષમતાની અને ઊંચાઈની ૦૫ ઉંચી ટાંકી, જુદા માપના ૦૩ પંપ રૂમ. જુદા જુદા વ્યાસની કુલ ૯૪.૧૩ કિમી લંબાઈની મેટાલિક પાઈપ તથા ૧૬૫.૯૨ કિમી લંબાઈની નોન-મેટાલિક (PVC) પાઈપલાઈન જેવા મુખ્ય ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભાવનગર જિલ્લાનાં તળાજા, મહુવા અને પાલીતાણા તાલુકાની પસેવી જૂથ પાણી પુરવઠા યોજનાનાં દરેક ગામને ૧૦૦ એલ.પી.સી.ડી. મુજબ દૈનિક પાણી આપવા માટે તેમજ બલ્ક પાઇપલાઇનમાંથી એર વાલ્વ ટેપીંગ દ્વારા રો-વોટર મેળવતા ગામોને જૂથ યોજનાનુ ફિલ્ટર યુક્ત પાણી આપવા તેમજ જુથ યોજનાના છેવાડાના ગામોને પુરતા પ્રમાણમાં અને પ્રેશરથી પાણી મળી રહે તેમાટે હયાત પસવી જૂથ યોજનાને અપગ્રેડ કરવાની જરૂરીયાતને ધ્યાને લઈ ઓગમેન્ટેશન ઓફ પસવી ઝોન ફેઝ-ર પાણી પુરવઠા યોજના અમલમાં મુકવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, પસવી જૂથ યોજના ઉનાળાના સમયગાળામાં પડતી પીવાના પાણીની તંગી તથા લાંબાગાળાના આયોજનને ધ્યાને લઈ પુરતો અને સલામત પીવાના પાણીનો જથ્થો લાભાર્થી ગામોને ઉપલબ્ધ થશે.