શંકાસ્પદ કે શિકારી પ્રવૃતિઓ ધ્યાને આવે તો વન વિભાગની કચેરીને જાણ કરવા અપીલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

     વિશ્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર નિવાસ સ્થળ “ગીર’” છે. ગુજરાતનુ ગૌરવ સમા એશીયાઈ સિંહો સૌરાષ્ટ્રના ૨૦૦૦૦ ચોરસ કિ.મી. વિસ્તારમાં મુક્તપણે પરીભ્રમણ કરે છે. જેના સંરક્ષણમાં વન વિભાગની સાથે સાથે સૌરાષ્ટ્રના લોકોનો પણ ખુબજ મોટો ફાળો છે. સ્થાનિક લોકોના સહકારને કારણે આજે ગીર સંરક્ષિત વિસ્તાર, સિંહોની વસ્તીના સંરક્ષણ અને માનવીય પ્રભુત્વ ધરાવતી જમીન ઉપર પણ સિંહોના સહઅસ્તિત્વમાં વધારો દર્શાવતી એક અદ્રભુત કહાની બની ગયો છે.

આ અવિરત પ્રયાસો થકી સિંહો હવે જોખમની બહાર આવી ગયાં છે અને અગાઉ જ્યાંથી તેઓ નામશેષ થઈ ગયાં હતાં તેવા વિસ્તારોમાં પણ પોતાની વસાહતો પુન:સ્થાપીત કરી છે. સિંહોની અત્યાર સુધીની જીવન સફર ખરેખર ખુબ જ કપરી રહી છે પરંતુ જંગલના રાજા, એશિયાઈ સિંહોએ કપરા સમયમાંથી બહાર આવી સિંહ પ્રજાતિ ખરેખર જંગલનું રાજા હોવાનું સાબિત કર્યું છે.

તેથી જ ગીર જંગલ માત્ર પારસ્પરિક મહત્તા નથી ધરાવતું પરંતુ તે આર્થિક, સામાજીક, સાંસ્કૃતિક, રાજકીય અને નૈતીક મૂલ્યોની દ્રષ્ટીએ પણ ગુજરાતના લોકોના હ્રદયસ્થાનમાં બિરાજે છે. જેનું જતન કરવુ તે વન વિભાગના સ્ટાફની સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાની પણ ફરજ છે, જેથી વન્યપ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોના વન વિભાગને સહકાર તથા સહાયક બનવા માટે વિનંતી કરવામાં આવે છે.

વન્યપ્રાણી અવરજવર વાળા વિસ્તારમાં ખેડૂતોને પાકરક્ષણ માટે ઈલેકટ્રીક શોક ન મુકવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે. ઈલેક્ટ્રિક શોકને કારણે વન્યપ્રાણીઓની સાથે સાથે ઘણી વખત તેમના કિંમતી પશુઓ તેમજ લોકોનો પણ ભોગ બનવાના કિસ્સાઓ સામે આવ્યાં છે. જેથી ખેતર ફરતે ઈલેકટ્રીક શોક ન મુકવા, વન્યપ્રાણી પરીભ્રમણ વિસ્તારમાં વન્યપ્રાણીઓ માટે જોખમરુપ ખુલ્લા કુવાઓ સુરક્ષિત કરવા, તેમજ ખુલ્લા કુવાઓ સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકારની હાલમાં ચાલતી ખુલ્લા કુવા પારાપેટ વોલ બાંધી સુરક્ષિત કરવા અંગેની યોજના જેમાં ૯૦% સબસિડી સરકાર તરફથી આપવામાં આવે છે. જેનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે.

આ ઉપરાંત રેવન્યુ વિસ્તારમાં પરપ્રાંતિય લોકો દંગા બાંધી રહેતા હોય છે, જે મૂળ શિકારી પ્રવૃત્તિથી ટેવાયેલા હોય છે તેવા કોઇ શંકાસ્પદ દંગાઓ કે શિકારી પ્રવૃતિઓ ધ્યાને આવે તો નજીકની વન વિભાગની કચેરી અથવા તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૭૮૯ અથવા ૧૯૨૬ પર સંપર્ક સાધવા વનવિભાગ દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે.

Related posts

Leave a Comment