ગીર સોમનાથ
રાજ્ય સરકાર દ્વારા પ્રતિ બે વર્ષે આયોજિત કરવામાં આવતી ચિંતન શિબિરની ૧૧મી કડીનું આયોજન ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના નીતિ નિર્ધારણ અને પ્રક્રિયાના સૂઆયોજિત આયોજન માટે ઉપયોગી એવી ચિંતન શિબિર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ, રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓના ચિંતન-મનન માટે ૧૨ જ્યોર્તિલિંગોમાં પ્રથમ એવા સોમનાથની પવિત્રધરા પર યોજાશે.
આ ચિંતન શિબિરના સૂચારૂ આયોજન અને વ્યવસ્થાઓ માટે સામાન્ય વહીવટ વિભાગના ઇન્ચાર્જ અગ્રસચિવ હારિત શુક્લાના અધ્યક્ષસ્થાને બેઠક કલેક્ટર કચેરી, ઇણાજ ખાતે યોજાઇ હતી.
સ્પીપા, અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ વિજય ખરાડી અને ગાંધીનગરથી પધારેલા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ચિંતન શિબિરના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા, વિચારણા થઇ હતી.
સામાન્ય વહીવટ વિભાગના ઇન્ચાર્જ અગ્રસચિવ હારિત શુક્લાએ આ બેઠકમાં ચિંતન શિબિરમાં ત્રણ દિવસ યોજાનાર વિવિધ ચર્ચા સત્રો, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો અંગે જરૂરી તમામ વ્યવસ્થાઓ ગોઠવાય તે માટે જરુરી માર્ગદર્શન ઉપસ્થિત અધિકારીઓને આપ્યું હતું.
અગ્ર સચિવએ ત્રણ દિવસની શિબિર અંતર્ગત આવાસ, ટ્રાન્સપોર્ટેશન, સુરક્ષા, ફાયર, હેલ્થ, વીજળી, ઇન્ટરનેટ ક્નેક્ટીવીટી સહિતની જરૂરી વ્યવસ્થાઓ વિશે વિસ્તૃત સૂચનાઓ આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ચિંતન શિબિર એ રાજ્ય સરકારની મહત્વપૂર્ણ ઇવેન્ટ છે. આ ઇવેન્ટમાં થકી ચર્ચા, વિચારણમાંથી નિકળેલા નવનીતને આધારે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તથા નીતિ-નિર્ધારણ થતું હોય છે. આ સિવાય આ ચિંતન શિબિરમાં પધારેલા મંત્રીઓ તથા અધિકારીઓ વચ્ચે આપસી વિચારોના આદાન-પ્રદાનને કારણે નવી ક્ષિતિજો ખુલતી હોય છે.
નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે ચિંતન શિબિર માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર અને જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ જિલ્લા કક્ષાની સ્વાગત, પરિવહન, ખોરાક, આરોગ્ય, સુરક્ષા, વીજળી સહિતની વ્યવસ્થાઓ માટે કરવામાં આવેલ વિવિધ ટીમોની રચના અને તેમના કાર્યો વિશેનું પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું.
આ બેઠકમાં મદદનીશ વન સંરક્ષક(ગીર પશ્વિમ) વિકાસ યાદવ, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ અને વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.