વિકાસ સપ્તાહ ઉજવણી: ઉદ્યોગ સાહસિકતા દિવસ
હિન્દ ન્યુઝ, રાજકોટ
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે (GIDC) વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન વિવિધ માળખાકીય વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આ પ્રકલ્પોનો ઉદ્દેશ ઔદ્યોગિક વિકાસને વેગ આપીને ગુજરાતમાં વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં કાર્યક્ષમ પાણી પુરવઠો અને રોડ નેટવર્ક સુનિશ્ચિત કરવાનો છે. વિકાસ સપ્તાની ઉજવણીના ભાગરૂપે 15 ઓક્ટોબર 2024ના રોજ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ₹ 564 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે માળખાકીય સુવિધાઓમાં વધારો કરશે. મુખ્યમંત્રી ના હસ્તે ₹ 418 કરોડના વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત તથા ₹ 146 કરોડના કાર્યોનું ઇ-લોકાર્પણ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.
ઈ- ખાતમુહૂર્ત કરાયેલા વિકાસકાર્યો
• નવસારીના વાંસી ખાતે સ્થાપિત થઇ રહેલા પીએમ મીત્રા પાર્ક યોજના અંતર્ગત ટેક્સટાઈલ્સ પાર્ક માટે ₹ 352 કરોડના ખર્ચે 65 એમ.એલ.ડી ક્ષમતાની પાણી પુરવઠા યોજનાનું કામ
• સાણંદ-2 ઔધોગિક વસાહત ખાતે ₹ 21 કરોડના ખર્ચે ઔધોગિક હેતુસર પાણીના સંગ્રહ માટે 174 એમ.એલ ક્ષમતાના તળાવનું કામ
• સાયખા-બી ઔધોગિક વસાહતમાં સ્થિત મિક્સ ઝોન ખાતે ₹ 22 કરોડના ખર્ચે હયાત પાણી પુરવઠા યોજનાનું નવીનીકરણ
• પાનોલી ઔધોગિક વસાહત ખાતે ₹ 23 કરોડના ખર્ચે હયાત પાણી પુરવઠા યોજનાના નવીનીકરણનું કામ
ઈ- લોકાર્પણ કરાયેલા વિકાસકાર્યો
• GIDCની વિવિધ વસાહતોમાં પૂરી પાડવામાં આવતી માળખાકીય સુવિધાઓ અંતર્ગત જાંબુડિયા-પાનેલી ખાતે વિકસિત થઇ રહેલા સિરામીક પાર્ક માટે ₹ 100 કરોડના ખર્ચે રોડ નેટવર્કનું કામ
• ખીરસરા-૨ ઔદ્યોગિક વસાહત ખાતે ₹ 39 કરોડના ખર્ચે રોડ નેટવર્કનું કામ
• ક્વાસ- ઈચ્છાપોર ઔદ્યોગિક વસાહત ખાતે ₹ 7 કરોડના ખર્ચે રોડ નેટવર્ક અને પાણી પુરવઠા યોજનાનું કામ
રાજ્યની આર્થિક સમૃદ્ધિને વધુ વેગ મળશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આ પ્રસંગે મુખ્યમંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, “મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ એ ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ છે. અમારો પ્રયાસ છે કે ગુજરાત હંમેશા ઉદ્યોગો માટે સૌથી પહેલી પસંદગીનું સ્થળ બને અને આજનો આ કાર્યક્રમ અમારી એ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં પાણી પુરવઠો અને કનેક્ટિવિટી વધારીને, અમે ભવિષ્યના રોકાણો અને ટકાઉ વિકાસ માટે મજબૂત પાયો નાખી રહ્યા છીએ જેનાથી રાજ્યની આર્થિક સમૃદ્ધિને વધુ વેગ મળશે.”