હિન્દ ન્યુઝ,
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી સતત ત્રીજા દિવસે વીડિયો કોન્ફરન્સ યોજીને વરસાદ પ્રભાવિત વિસ્તારોની બચાવ-રાહત કામગીરી તથા વરસાદી પાણીની સ્થિતિની તલસ્પર્શી સમીક્ષા હાથ ધરી હતી તથા ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લો, દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લાઓમાં પાણીમાં ફસાયેલા લોકો માટે રાહત કામગીરીને અગ્રિમતા આપવા તાકીદ કરી હતી.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, પૂરમાં ફસાયેલા લોકોને ફૂડ પેકેટ, પીવાના પાણીના પાઉચ તેમજ આરોગ્યરક્ષક દવાઓ પહોંચાડવાની વ્યવસ્થા રાજ્ય સરકારની પ્રાયોરિટી છે. એટલું જ નહિ, અસરગ્રસ્ત જિલ્લાઓમાં જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે તેને પણ ત્વરાએ પૂર્વવત કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીએ આવતીકાલ ગુરૂવાર સવારથી જ કાંપ, માટી, પાણી સાથે ઢસડાઈને આવેલા ઝાડી-ઝાંખરા, પાન વગેરે દૂર કરવા, જંતુનાશક દવાઓના છંટકાવ દ્વારા રોગચાળો ફેલાતો અટકાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી જનજીવન ઝડપથી પૂર્વવત કરવાના ઉપાયો માટે સૂચનો કર્યા હતા. તેમણે વરસાદથી અસરગ્રસ્ત બધા જ જિલ્લાઓમાં કેશડોલ્સ અને ઘરવખરી સહાયની ચુકવણીની કામગીરી પણ તાકીદે હાથ ધરવા માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીએ NDRF, આર્મી, એરફોર્સ, કોસ્ટગાર્ડની મદદ લઈ રેસ્ક્યુ કરવાની વ્યવસ્થાઓનું સંકલન કરવા જિલ્લા કલેક્ટરઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત, સેવાભાવી સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરે ફૂડ પેકેટ તેમજ જરૂરી ખાદ્ય સામગ્રી અસરગ્રસ્તોને પહોંચાડવા માટે તૈયાર કરે તેના વિતરણ માટે પણ યોગ્ય પ્રબંધ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.