ભેટાળીના અનિલભાઈ સોલંકી પ્રાકૃતિક ખેતી થકી કરે છે રસાયણિક મુકત અન્ન ઉત્પાદન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    દિન પ્રતિદિન રસાયણ યુક્ત અન્ન આરોગવાને કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડતુ જાય છે. લોકોને હાનિકારક દવાઓથી મુક્ત અનાજ ઉત્પાદિત કરીને લોકોના સારા સ્વાસ્થ્ય સાથે પ્રકૃતિનુ જતન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લાના ભેટાળી ગામના વતની અનિલભાઈ નારણભાઈ સોલંકીએ નડિયાદ ખાતે સુભાષ પાલેકરજીની શિબિરમાંથી પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મેળવીને ૨૦૧૫થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારૂ એવું આર્થિક ઉપાર્જન કરી રહ્યાં છે.

અનિલભાઈએ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓનુ વર્ણન કરતા જણાવ્યું હતું. કે, રાસાયણિક ખેતી કરવામાં ખુબજ મુશ્કેલીઓ આવતી હતી અને રાસાયણિક ખાતરના ઉપયોગને લીધે જમીન બિન ઉપજાઉ બનતી જોવા મળતી હતી. જેથી જમીનની ફળદ્રુપતા ઓછી થતી હતી અને ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ખર્ચ પણ વધારે થતો હતો. જેની સામે ઉત્પાદન નજીવું થતું હતું. જે આર્થિક રીતે પરવડે તેમ ન હતું. જેથી મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી જેમાં ચોમાસું પાકોમાં મગફળી, શિયાળુ પાકોમાં ચાણા અને ઘઉં તેમજ ઉનાળુ પાકોમાં અડદ અને મગ જેવા કઠોળ પાકોનું વાવેતર કરીએ છીએ.

રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે. જમીનમાં જીવામૃત અને ઘનજીવામૃતના ઉપયોગથી જમીનમાં બેકટેરિયાની, અળસિયાની સંખ્યા વધી અને પાક ઉત્પાદનમાં વધારો થયો, જ્યારે રસાયણિક ખેતીમાં થતાં ખર્ચની સામે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ નહીંવત પ્રમાણમાં થાય છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત પાકોનું ગોપી ઓર્ગનીક ફાર્મના નામથી બજારમાં સીધું તથા FPOનાં માધ્યમથી વેચાણ કરવાથી બજારમાં સારા ભાવ પણ મળે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સાથે પ્રાકૃતિક ખેતી કરવા માટે ગાય વસાવવી જરૂરી છે. જેથી મારી પાસે અત્યારે ૨૨ જેટલી ગીર ગાય અને વાછરડી છે. જેના ગોબર અને ગૌમૂત્રના કાર્યક્ષમ ઉપયોગ હેતુ મેં ગાયનાં ગોબરમાંથી અગરબતી, દીવા માટેના કોડીયા તેમજ ગૌમૂત્રનો અર્ક, ગીર ગાયનું શુદ્ધ ઘી વગેરે પેકિંગ કરી અને બજારમાં સીધું વેચાણ કરવાથી એક બીજી આવકનો સ્ત્રોત પ્રાકૃતિક ખેતી થકી ઉભો થયો છે. જે મારી આવકમાં ડબ્બલ વધારો કરે છે.


Advt.

 

Related posts

Leave a Comment